10 October, 2024 05:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ થયેલા નાલાસોપારાની સોસાયટીના વિડિયોના ગ્રૅબ અને ઑરેન્જ હાઇટ્સ સોસાયટીમાં કરવામાં આવી રહેલા પર્મનન્ટ બાંધકામનો વિરોધ કરી રહેલી મહિલાઓ.
નવરાત્રિ ચાલી રહી છે ત્યારે નાલાસોપારા-વેસ્ટમાં યશવંત ગૌરવ વિસ્તારમાં આવેલી ઑરેન્જ હાઇટ્સ સોસાયટીમાં મુસ્લિમો હિન્દુઓને માતાની પૂજા-અર્ચના ન કરવા દેતા હોવા બાબતનો વિડિયો મંગળવારે અને ગઈ કાલે વાઇરલ થયો હતો. આ વિડિયોમાં એક મહિલા કહે છે કે સોસાયટીની ખુલ્લી જગ્યામાં મુસ્લિમોએ ગેરકાયદે મદરેસા બનાવી છે જેમાં તેઓ પાંચ ટાઇમ નમાજ પઢે છે પણ હિન્દુઓને નવરાત્રિ કરવા નથી દેતા. સોસાયટીમાં જે જગ્યાએ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં કબાટ અને પતરાં રાખીને મુસ્લિમો અડચણ કરી રહ્યા હોવાનું વિડિયોમાં દર્શાવાયું છે. આ વિડિયો ખૂબ વાઇરલ થવાથી મુસ્લિમો સામે હિન્દુઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
લવ અને લૅન્ડ જિહાદ સામે અવાજ ઉઠાવનારાં કાજલ હિન્દુસ્તાનીએ નાલાસોપારાની મહિલાનો વિડિયો શૅર કર્યા બાદ મુંબઈ જ નહીં, મહારાષ્ટ્ર અને દેશભરના હિન્દુઓમાં આ ઘટના બાબતે નારાજગી ફેલાઈ હતી અને તેમણે નવરાત્રિના આયોજનમાં અડચણ કરનારા મુસ્લિમો સામે કડક હાથે કામ લેવાની માગણી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કરી હોવાનું જાણવા મળ્યું હતું.
ઑરેન્જ હાઇટ્સ સોસાયટીમાં હિન્દુઓની સાથે મુસ્લિમો પણ રહે છે. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે સોસાયટીના હિન્દુઓએ માતા કી ચૌકીના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સોસાયટીમાં રહેતા મુસ્લિમોએ માતા કી ચૌકીના કાર્યક્રમનો વિરોધ કર્યો હોવાનો આરોપ છે.
શું છે મામલો?
નાલાસોપારા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સદાશિવ નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑરેન્જ હાઇટ્સ સોસાયટીમાં હિન્દુઓ અને મુસ્લિમો રહે છે. અહીં દર વર્ષે તમામ તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે, ક્યારેય કોઈ ગરબડ નથી થઈ. પંડાલ બાંધવામાં આવે છે અને કાર્યક્રમ બાદ એ કાઢી નાખવામાં આવે છે. માતા કી ચૌકીના કાર્યક્રમ માટે સિમેન્ટ, ઈંટ અને પતરાંનું પર્મનન્ટ બાંધકામ કરવામાં આવી રહ્યું હતું એનો સોસાયટીમાં રહેતા મુસ્લિમો સહિતના રહેવાસીઓએ વિરોધ કર્યો હતો. પોલીસની ટીમે સોસાયટીમાં જઈને તપાસ કરી હતી અને બાદમાં બન્ને તરફના લોકોને પોલીસ-સ્ટેશનમાં બોલાવીને સમજાવ્યા હતા. આથી નવરાત્રિમાં પૂજા-અર્ચના પહેલાંની જેમ જ થઈ રહી છે, કોઈનો વિરોધ નથી. સોસાયટીમાં ગેરકાયદે મદરેસા બનાવવાની ફરિયાદ સ્થાનિક સુધરાઈમાં કરવામાં આવી છે એટલે એ સંબંધે સુધરાઈ ઉચિત પગલાં લેશે.’