28 September, 2024 12:34 PM IST | Mumbai | Rajul Bhanushali
ટીનેજર્સ જેઓ શીખવે છે ગરબા
નવરાત્રિ શરૂ થવાને હવે દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે મળીએ મુંબઈના કેટલાક એવા ટીનેજ ડાન્સર્સને જેઓ પોતે હજી સ્કૂલમાં ભણે છે અને શીખવાની ઉંમરે પોતાનાથી ડબલ એજના લોકોને ગરબા શીખવી રહ્યા છે. ટૅલન્ટનો ખજાનો એવા આ યંગ ગરબા ટીચરોની લાઇફમાં ગરબા કેવી રીતે આવ્યા, મોટી ઉંમરનાં અંકલ-આન્ટીને ગરબા શીખવવાના કેવા અનુભવો તેમને થયા છે અને હવે તેમનો ફ્યુચર પ્લાન શું છે એ જાણીએ તેમની જ પાસેથી
જે આન્ટી મારી ઉંમર અને હાઇટ જોઈને હું શું શીખવીશ એના પર ડાઉટ કરતાં તે હવે દરેક ડાઉટ પર મને ફોન કરે છે
હૃધાન શાહ
ઘાટકોપરમાં રહેતો ૧૪ વર્ષનો હૃધાન શાહ છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈની મોટી નવરાત્રિમાં ખેલૈયા તરીકે પાર્ટ લે છે. હૃધાનના ગરબાપ્રેમ વિશે તેની મમ્મી માનસી શાહ કહે છે, ‘જ્યારે હૃધાન નાનો હતો ત્યારે તેને ગરબામાં કોઈ રસ નહોતો. તે રમતો જ નહોતો. મને ગરબાનો શોખ હતો તો હું મારા ગ્રુપ સાથે રમવા જતી. અમે તો હૃધાનને કહી-કહીને થાક્યા હતા કે તું ઉભો થા, થોડો ડાન્સ કર પણ તેને કોઈ ફરક પડતો નહીં. આમ તો અમારી સોસાયટીમાં દર વર્ષે નવરાત્રિનું આયોજન થાય છે તો એક વખત હું તેને લઈ ગઈ અને ધીરે-ધીરે તે ગરબા રમવા લાગ્યો. તે ક્યારે નૉન-ગરબા પ્લેયરથી પ્રો-ગરબા પ્લેયર બની ગયો એની ખબર જ ન પડી. સોસાયટીમાં યોજાતી નાની-નાની નવરાત્રિમાં જીતતો હતો. તેનો ગરબા પ્રત્યેનો વધતો ક્રેઝ જોઈને હું તેને બાકી બધી ગરબા સ્પર્ધામાં લઈ જવા લાગી અને ત્યાં પણ તે જીતીને જ આવતો. મુંબઈમાં યોજાતી પ્રમુખ નવરાત્રિઓમાં પણ તેણે બેસ્ટ ગરબા પ્લેયરની સિદ્ધિ હાંસલ કરી છે. હૃધાનની ઇચ્છા છે કે મુંબઈની તમામ મોટી નવરાત્રિમાં તેને રમવું છે અને મોટા ભાગની નવરાત્રિમાં તેણે પાર્ટિસિપેટ તો કર્યું જ હતું, પણ ટ્રોફી લીધા વગર પાછો નથી ફર્યો. આ વખતે પણ નવ દિવસ અલગ-અલગ ગ્રાઉન્ડમાં જશે. નેસ્કો, ફાલ્ગુની પાઠક, રાસરંગ અને અન્ય ગ્રાઉન્ડ્સમાં જઈને મન મૂકી ગરબા રમવાની અને એની સાથે ટ્રોફી જીતવાની તૈયારી કરી રહ્યો છે.’
ગરબા રમવામાં તો હૃધાન અવ્વલ છે જ પણ એની સાથે હવે ગરબા શીખવાડવામાં પણ તે પ્રો બની ગયો છે એમ કહેવું ખોટું નથી. ટ્રેઇનર તરીકેની જર્ની અને એ દરમિયાન થયેલા અનુભવ વિશે વાત કરતાં હૃધાન કહે છે, ‘મેં ગરબા રમવા માટે થનગાટ ઍકૅડમીથી જ તાલીમ લીધી હતી અને ટ્રેઇનર બનવા માટે મેં ITP (ઇન્ટેન્સિવ ટીચર્સ પ્રોગ્રામ)ની ટ્રેઇનિંગ લીધી. આ ટ્રેઇનિંગ માર્ચ મહિનાથી શરૂ થાય અને નવરાત્રિ સુધી પતે. શરૂઆતમાં સ્ટડી અને ટ્રેઇનિંગને મૅનેજ કરવું મુશ્કેલ હતું, પણ ટ્રેઇનિંગ દરમિયાન ટાઇમ મૅનેજમેન્ટ, પંક્ચ્યુઍલિટી અને કમ્યુનિકેશન સ્કિલ્સની સાથે શીખવા આવનારા લોકોને ટેક્નિક્સ સરળ રીતે કેવી રીતે શીખવાડવી એ બધું જ શીખવાડવામાં આવે છે. જ્યારે મારો પહેલો બૅચ શરૂ થયો ત્યારે મારી ઉંમર અને હાઇટને કારણે લોકો મને જજ કરતા અને એવું વિચારતા હતા કે આટલો નાનો છોકરો કેવી રીતે અને કેવું શીખવાડશે. મને યાદ છે ચાલીસેક વર્ષનાં એક લેડી અમારે ત્યાં ગરબા શીખવા આવ્યાં હતાં અને તેમનું વર્તન મારા પ્રત્યે થોડું રૂડ હતું. ત્યારે મારા સરે તેમને શીખવાડવાનો ટાસ્ક મને આપ્યો હતો. અંદરોઅંદર થોડો ડર હતો કે કેવી રીતે થશે? હું એ આન્ટીને સરખું શીખવાડી શકીશ કે નહીં? મેં મારી રીતે મગજને શાંત રાખીને તેમને શીખવાડવાની કોશિશ કરી અને બન્યું એવું કે તેમને જે પણ ડાઉટ હોય મને પર્સનલી ફોન કરીને પૂછે છે અને હું તેમનો ફેવરિટ ટ્રેઇનર બની ગયો છું. મારા જીવનની અત્યાર સુધીની આ બેસ્ટ અચીવમેન્ટ લાગી. અમે છ જણની ટીમ મળીને આખા બૅચનું મૅનેજમેન્ટ કરીએ છીએ. એક વાર તો એવું થયું કે ટીમના ચાર મેમ્બર્સ કોઈ કારણોસર આવી શક્યા નહીં ત્યારે મેં અને મારી સાથેના એક સરે મળીને આખા બૅચનું સંચાલન કર્યું ત્યારે બૅચના બધા સ્ટુડન્ટ્સે અમારી પીઠ થાબડી હતી. એક અંકલ હતા. આખો કોર્સ પૂરો થયો ત્યારે તેમણે મારા કામને વખાણ્યું અને સારા આશીર્વાદ આપ્યા. આ બધી જ મેમરી મારા માટે બહુ સ્પેશ્યલ છે.’
હૃધાનનાં મમ્મી-પપ્પાનો પોતપોતાનો લેડીઝ અને જેન્ટ્સ ફુટવેઅરનો બિઝનેસ છે. માતા-પિતા વર્કિંગ હોવા છતાં તેઓ હૃધાનના ગરબા માટેના પ્રેમને જોઈને તેમના માટે સમય ફાળવે છે. તેનો મોટો ભાઈ અકાઉન્ટિંગ અને ફાઇનૅન્સની સ્ટડી કરવા યુનાઇટેડ કિંગડમ ગયો છે. માનસીબહેન કહે છે, ‘મારા મોટા દીકરાને ગરબા રમવાનો શોખ નથી પણ તેને ગરબા રમતા લોકોને જોવાની બહુ મજા આવે અને હૃધાનની પર્સનાલિટી તેના ભાઈ કરતાં પૂર્ણપણે ઑપોઝિટ છે. ગરબા રમવાની સાથે તે માતાજીની ભક્તિ પણ બહુ કરે.’
હૃધાન આ વર્ષે દસમા ધોરણમાં હોવાથી તે બોર્ડની પરીક્ષા સાથે પોતાના ગરબાપ્રેમને કેવી રીતે મેનેજ કરી રહ્યો છે એ વિશે વાત કરતાં માનસીબહેન કહે છે, ‘હૃધાન ગરબા રમવાની સાથે આ વર્ષથી તેણે લોકોને શીખવાડવાનું પણ શરૂ કર્યું છે. અધૂરામાં પૂરું એ છે કે આ વર્ષે તેની બોર્ડ એક્ઝામની તૈયારી હોવાથી બધું મૅનેજ કરવું પડકારજનક છે, તેમ છતાં ટાઇમ મૅનેજમેન્ટ કરીને તે ભણતર અને પૅશનને બહુ જ સારી રીતે મૅનેજ કરી રહ્યો છે. સ્કૂલ અને ક્લાસમાં તે થોડું સ્પીડમાં બધું કવર કરી રહ્યો છે જેથી નવરાત્રિના દિવસોમાં તે ન પણ ભણે તો વધુ ફરક ન પડે. નવરાત્રિ બાદ ફરીથી તે ભણવા પર ફોકસ કરશે એવી સ્ટ્રૅટેજી તેણે બનાવી છે. તેને ગરબાનું પૅશન હોવા છતાં ભણતરથી ક્યારેય અંતર નથી કર્યું. તે બધી જ રીતે બહુ ફોકસ્ડ છે અને તેની આ વાત મને બહુ જ પ્રભાવિત કરે છે.’
હૃધાન શાહ સ્પોર્ટ્સમાં પણ છે એકદમ અવ્વલ
નાની વયમાં હૃધાનને ગરબા સિવાય સ્પોર્ટ્સમાં પણ બહુ રસ છે. દીકરાના સ્પોર્ટ્્સ પ્રેમ વિશે વાત કરતાં માનસીબહેન કહે છે, ‘હૃધાન સ્પોર્ટ્્સ વગર રહી શકે નહીં. હું તેને સ્પોર્ટ્્સને એક બાજુએ મૂકીને ભણવામાં ધ્યાન આપવાનું કહું તો તે સુસ્ત થઈ જાય છે અને ભણવામાં પણ તે ફોકસ કરી શકતો નથી, પણ જો તે સ્પોર્ટ્્સ માટે થોડો સમય ફાળવશે તો તેનું માઇન્ડ ઍક્ટિવ રહેશે અને વધુ સારી રીતે ભણી શકશે આ વાત મેં જ્યારથી નોટિસ કરી છે ત્યારથી હું તેને રોકતી નથી. ફુટબૉલ અને બૅડ્મિન્ટનમાં તે બહુ સારો પ્લેયર છે. આ બન્ને રમત તેને બહુ ગમે. હમણાં દસમાની ટર્મિનલ એક્ઝામ હતી ત્યારે પણ તે ગરબા ક્લાસ પણ જતો અને પરીક્ષા પણ દેતો. જેથી તે ફિઝિકલી ઍક્ટિવ રહે તો મગજ સક્રિય રહે અને પરીક્ષામાં સારું પર્ફોર્મ કરી શકે
મને ‘મૅમ’ કહેતા અંકલે જ્યારે મારા પપ્પાને કહ્યું, ‘આફ્ટર ઑલ શી ઇઝ માય ટીચર’ અને હું ટોટલી દંગ હતી
બોરીવલીમાં રહેતી અને નવમા ધોરણમાં ભણતી ૧૪ વર્ષની પૃથા બારોટનાં પેરન્ટ્સ નિકી અને મોનાક બારોટનો કેટરિંગનો બિઝનેસ છે. બન્નેમાંથી કોઈ ગરબા નથી રમતાં તેમ છતાં મુંબઈની એવી એકેય નવરાત્રિ નથી જેમાં પૃથા અને તેની મોટી બહેન સાંચીએ ઇનામ ન જીત્યાં હોય. પૃથા ગરબા રમે તો છે સાથે અનેક લોકોને ગરબા રમતાં શીખવાડે પણ છે. પૃથા કહે છે, ‘મોટી બહેનને જોઈ-જોઈને હું ગરબા રમતાં શીખી. તેણે ગરબામાં અનેક ઇનામ જીત્યાં છે. અમારા ઘરમાં ફાલ્ગુની પાઠકની નવરાત્રિમાં અમે જીતેલી પંદરેક ટ્રોફીઓ છે.’
દીકરીમાં રહેલા હુનરને પારખીને તેને બાકાયદા નવરાત્રિની ટ્રેઇનિંગ આપનારી પૃથાની મમ્મી નિકી કહે છે, ‘આગળ વધવું હોય તો કોઈ ગ્રુપ જોઈએ. ગ્રુપ હોય તો સારું રમાય. થોડુંક ઍડ્વાન્સ થવાય. હમણાં અમારા ઘરે ગણપતિની સ્થાપના થઈ હતી ત્યારે લગભગ ૧૫૦ મહેમાન એવા હતા જે પૃથાના ગ્રુપમાં હતા.’
પૃથા ૧૧ વર્ષની હતી ત્યારથી તેણે ગરબા શીખવાડવાનું ચાલુ કર્યું છે. પોતાના ઇનિશિયલ સ્ટેજનો અનુભવ શૅર કરતાં તે કહે છે, ‘શરૂઆતમાં મને બધા અન્ડરએસ્ટિમેટ કરતા. મારી હાઇટ એટલી નાની કે હું ૧૧ વર્ષની પણ નહોતી લાગતી. મેં સરને કહ્યું કે મને કોઈ સિરિયસલી નથી લેતું તો સરે કહ્યું કે વાંધો નહીં. પછી કોઈ એક સ્ટુડન્ટ બરાબર સ્ટેપ ન કરતું હોય તો સર મને ત્યાં મોકલતા. સર મને એટલુંબધું રિસ્પેક્ટ આપતા કે એ જોઈને બીજા લોકો પણ આપવા લાગ્યા. બેપાંચ ક્લાસ પછી તો બધું સિમ્પલ થઈ ગયું. થોડાક વખત પછી ડૅડી લેવા આવેલા ત્યારે એક અંકલ આવ્યા અને કહ્યું, ‘મૅમ, આજે ક્લાસમાં બહુ જ મજા આવી.’ ડૅડીએ કહ્યું, ‘આ તમારાથી ઘણી નાની છે, મૅમ ન કહો.’ તેમણે કહ્યું, ‘આફ્ટર ઑલ શી ઇઝ માય ટીચર. તો તેને મૅમ જ કહેવાય.’ ત્યારે ખૂબ પ્રાઉડ ફીલ થયું હતું. એક ઓલ્ડ આન્ટીથી બરાબર નહોતું થતું તો તે બેસી જતાં. પણ મને થયું આટલી હોંશથી જૉઇન થયાં છે તો થોડાક વધારે એફર્ટ્સ નાખીને તેમને શીખવવું જોઈએ. ધીમે-ધીમે તે શીખ્યાં અને એટલાંબધાં ખુશ થઈ ગયાં કે પછી મને ડ્રેસ ગિફ્ટ કર્યો. એક અંકલ-આન્ટી છેક ઘાટકોપરથી મને રમતી જોવા આવે છે. તેમણે મને ઘડિયાળ ગિફ્ટ આપી અને કહ્યું કે તું ફાઇનલમાં જીતે કે ન જીતે, મારા માટે તું ગરબા ક્વીન છે.’
પોતાના અનુભવોનું લિસ્ટ આગળ વધારતાં પૃથા કહે છે, ‘ઘણી વખત એવું થાય કે અમે શીખવાડવા માટે કેટલી બધી મહેનત કરતાં હોઈએ પણ સ્ટુડન્ટ રિસ્પૉન્ડ ન કરે. પ્રૅક્ટિસ કરવાને બદલે વાતો કર્યા કરે. અમે સ્કૂલ અને ટ્યુશન પતાવીને હોમવર્ક કરીને સમયસર પહોંચી જઈએ પરંતુ એ લોકો અડધો-અડધો કલાક લેટ આવે અને વળી તેમનું જે મિસ થાય એ તો તેમને અલગથી શીખવાડવું જ પડે. આવી બધી મુશ્કેલીઓ આવતી હોય છે પરંતુ હૅન્ડલ થઈ જાય છે. એક બૅચમાં ૪૫ જણ અને એવા ચાર બૅચ લીધા છે. એટલે કે ટોટલ ૧૮૦ જણને શીખવ્યું. અમારી ટીમમાં ટોટલ છ જણ છે. બે જણ મ્યુઝિક સંભાળે, એક અકાઉન્ટ સેક્શન સંભાળે અને મારા સહિત ત્રણ જણ ગરબા શીખવાડે છે.’
બૅલે ડાન્સ માટે પણ પૃથા બારોટ છે પૅશનેટ
પૃથા બારોટ
પૃથા બારોટ ભણવામાં પણ અવ્વલ છે. પોતાની સ્કૂલમાં ગ્રીન હાઉસની કૅપ્ટન અને કાઉન્સિલ મેમ્બર છે. ‘મુમો મુંબઈ’ની મધર્સની સંસ્થાનો અચીવર અવૉર્ડ પણ તેને મળ્યો છે. ફાલ્ગુની પાઠકમાં પૃથાને એક્સપ્રેશન ક્વીનનો અવૉર્ડ મળ્યો છે અને તે ‘બિગ બિંદી ગર્લ’ તરીકે ફેમસ છે. એ ગરબા સિવાય જૅઝ, એરિયલ, કન્ટેમ્પરરી જેવા ડાન્સમાં પણ પારંગત છે. અનેક સેલિબ્રિટીઝ સાથે ઍડ્વર્ટાઇઝમેન્ટ કરી છે, બિલબોર્ડ્સ પર પણ ચમકી ચૂકી છે અને ક્યારેક સ્ટ્રે ઍનિમલ્સ માટે દોડાદોડી પણ કરી લે છે. બૅલે ડાન્સિંગના પૅશન વિશે વાત કરતાં પૃથા કહે છે, ‘બૅલેના પ્રેમમાં પણ હું મોટીબહેન સાંચીને જોઈને પડી. પછી મેં પપ્પા આગળ જીદ કરી કે મારે પણ શીખવું છે. શીખી પણ ખરી ને પછી રશિયન કૉમ્પિટિશન મોઝેઇકમાં ઇન્ડિયાને રેપ્રિઝેન્ટ કર્યું અને એમાં પણ પ્રથમ ક્રમે આવી. નેક્સ્ટ યર જ્યારે આ કૉમ્પિટિશન ફરી થઈ ત્યારે એના ઇન્વિટેશન કાર્ડમાં મારો એ દિવસના પર્ફોર્મન્સના બેસ્ટ પોઝનો ફોટો એ લોકોએ રાખ્યો હતો. મેં લંડનની મૉડર્ન બૅલેની એક્ઝામ આપી છે અને એમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક આવ્યા છે. ૪૦ વર્ષ પછી આ રેકૉર્ડને તોડવા સાથે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે.’
છ વર્ષની દીકરીના પપ્પાએ મારા સરને ફોનમાં કહ્યું કે અરમાન શીખવશે તો જ મારી દીકરી ગરબા શીખવા આવશે
મુંબઈની મોટા ભાગની નવરાત્રિમાં ભાગ લઈ-લઈને ૧૪ વર્ષની ઉમરમાં ૧૦૩ ટ્રોફી જીતનારો ગરબાઘેલો અરમાન ભાનુશાલી અત્યારે તમામ એજગ્રુપના લોકોને ગરબાની તાલીમ આપે છે. આ વિશે વાત કરતાં આઠમા ધોરણમાં ભણતો અરમાન કહે છે, ‘ગ્રાઉન્ડ પર મન મૂકીને ગરબા રમવામાં કોઈ જવાબદારી ફીલ નથી થતી, પણ હા, શીખવાડવાની વાત આવે તો એ ટફ ટાસ્ક છે. ગરબા ટ્રેઇનર તરીકે આ મારું પહેલું વર્ષ છે અને ગરબા છે એટલે હું એને ભરપૂર એન્જૉય કરી રહ્યો છું. હું થનગાટ ઍકૅડમી સાથે જોડાયેલો છું અને બે બૅચમાં આશરે ૧૦૦ લોકોને ગરબા શીખવાડી રહ્યો છું. શીખવું અને શીખવાડવું બન્ને અલગ ચીજ છે. શીખવામાં ફક્ત આપણે ઇન્સ્ટ્રક્શન ફૉલો કરવાની હોય છે અને બીટ પર સ્ટેપ્સ કરવાનાં હોય છે, પણ તાલીમ આપતી વખતે લોકોને શીખવવાની જવાબદારી હોય છે. ગયા વર્ષે મેં ગરબાના ટ્રેઇનર બનવા માટેનો કોર્સ કર્યો હતો. આ કોર્સ છથી સાત મહિના સુધીનો હોય છે. ટ્રેઇનિંગ સ્કિલ્સ સાથે સ્ટુડન્ટ્સ સાથેની કમ્યુનિકેશન સ્કિલ્સની પણ તાલીમ આપવામાં આવે છે. ટ્રેઇનર તરીકે મને પણ એમાંથી ઘણું શીખવા મળ્યું છે. ટ્રેઇનિંગ આપવા માટે અમારી પાંચ જણની ટીમ હોય છે જેથી દરેક ગરબાપ્રેમીઓના પર્ફોર્મન્સ પર ધ્યાન આપી શકાય. અમારા સ્ટુડન્ટ્સ ૧૫ વર્ષથી લઈને ૬૦ વર્ષ સુધીના હોય છે.’
ટ્રેઇનર તરીકે અરમાનને પડકારજનક સ્થિતિનો પણ સામનો કરવો પડ્યો છે. ટ્રેઇનર તરીકેના અનુભવો અને એ દરમિયાન આવેલા પડકારો વાત કરતાં વાશીમાં રહેતો અરમાન કહે છે, ‘અમારા માટે સૌથી મોટો પડકાર પોતાનાથી મોટી ઉંમરના લોકોને શીખવવું છે. તેમની સાથેના વર્તન સારું હોય એ માટે ખાસ ધ્યાન રાખવું પડે છે. ન સમજાય કે ન આવડે તો વારંવાર તેમને શીખવવું પડે છે. અમારા એજગ્રુપના લોકો અમારી ભાષા સમજી જાય છે, પણ ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકોનો ગ્રાસ્પિંગ પાવર જોવો પડે છે અને એ રીતે સ્ટેપ્સ પહેલાં પોતે ડિઝાઇન કરવાં પડે છે અને પછી તેમને શીખવાડવામાં આવે છે.’
પોતાના સ્ટુડન્ટ સાથેના અનુભવોને શૅર કરતાં અરમાન કહે છે, ‘મારું શેડ્યુલ બહુ હેક્ટિક હોય છે તો વચ્ચે થોડા સમય માટે ક્લાસમાં શીખવાડવા જઈ શક્યો નથી એટલે સ્ડુડન્ટ સાથેની એટલી સારી મેમરી નથી, પણ હા મારી એક ક્યુટ નાની ઢીંગલી જેવી છ વર્ષની સ્ટુડન્ટ હતી. શરૂઆતમાં મારા બૅચમાં તેને શીખવતો હતો. પછી વચ્ચે શૂટિંગને કારણે જઈ નહીં શક્યો તો એ સ્ટુડન્ટના પપ્પાએ મારા સરનો સંપર્ક કર્યો અને કહ્યું કે મારી દીકરી કહે છે કે અરમાન સર નહીં શીખવાડે ત્યાં સુધી હું ક્લાસમાં નહીં જાઉં તો અરમાનને તમે બોલાવો. મારા સરે જ્યારે મને આ વાત કહી તો મને બહુ ખુશી થઈ અને એ બાળકીને હું હંમેશાં યાદ રાખીશ.’
‘મિડ-ડે’ દ્વારા આયોજિત ગરબા સ્પર્ધામાં અરમાન છેલ્લાં ચાર વર્ષથી જીતી રહ્યો છે ત્યારે નાનપણથી જ ગરબાનો ક્રેઝ ધરાવતા અરમાનના ગરબાપ્રેમ વિશે વાત કરતાં તેની મમ્મી જયશ્રીબહેન કહે છે, ‘અરમાન પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેને ગરબા રમવા બહુ ગમતા. એ સમયે તેને ગરબાના બીટ્સની ખબર નહોતી પડતી પણ તેના ગરબાપ્રેમને જોતાં અમે ભાવિકા દામા પાસે ગરબા શીખવા મોકલ્યો. તે ધીરે-ધીરે ગરબા રમવામાં એવો એક્સપર્ટ બની ગયો કે મુંબઈની જે નવરાત્રિમાં જાય ત્યાં પ્રાઇઝ અને ટ્રોફી લઈને આવે. પહેલી વાર તે ૨૦૧૭ની નવરાત્રિમાં સ્પર્ધક તરીકે રમ્યો હતો અને ૨૦૧૮થી તેનો અવૉર્ડ વિનિંગનો સિલસિલો અવિરત ચાલુ જ છે.’
અરમાન ભાનુશાલીના તબલા અને ઍક્ટિંગ માટેના પ્રેમની તો વાત જ ન થાય
અરમાન નૈતિક નાગડાનો મોટો ચાહક છે. તેને જોઈ-જોઈને અરમાન કોઈ પણ જાતની પ્રોફેશનલ ટ્રેઇનિંગ વગર ઢોલ વગાડતાં શીખી રહ્યો છે. એ વિશે તેના મમ્મી જયશ્રીબહેન કહે છે, ‘શેઠિયાનગર કે ભાનુશાલી સમાજમાં ગણેશોત્સવ હોય કે નવરાત્રિ હોય તે ઢોલ વગાડવા અચૂક જાય છે. નવરાત્રિમાં દસ વાગ્યે રમીને આવ્યા બાદ શેઠિયાનગરમાં ઢોલ વગાડે છે. આ જોઈને અમે તબલા ક્લાસ પણ જૉઇન કરાવ્યા. આ ઉપરાંત તેણે થોડા સમય માટે ડ્રમ વગાડવાની પણ તાલીમ લીધી હતી. ગરબાની સાથે-સાથે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું પણ તેને બહુ ગમે છે. તેને બૉલીવુડ ડાન્સમાં પણ રસ હોવાથી એમાં પણ તેનો નંબર આવે.’ ગરબા અને ઢોલ વગાડવા ઉપરાંત અરમાન ભાનુશાલીએ અભિનયક્ષેત્રે પણ ઘણી સિદ્ધિ હાંસલ કરી છે. નાની વયે અઢળક અચીવમેન્ટ કરનારા અરમાનને મમ્મી અને પપ્પા બન્નેનો ફુલ સપોર્ટ મળ્યો છે. ગરબાપ્રેમી હોવાની સાથે અરમાન ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર, ડાન્સર અને ચાઇલ્ડ ઍક્ટર પણ છે. આ બધા સાથે ભણતર તો ખરું જ. શાહિદ કપૂરની વેબ-સિરીઝ ‘ફર્ઝી’માં શાહિદ કપૂરના બાળપણનો રોલ અરમાને જ ભજવ્યો હતો. ‘રેલવે મેન’ અને ‘ગુનાહ’ જેવી વેબ-સિરીઝમાં પણ તેણે કામ કર્યું છે. ગણેશ આચાર્ય સાથે પણ તેણે એક પ્રોજેક્ટ કર્યો છે. આ ઉપરાંત ગુજરાતી નાટક ‘સથવારો શ્રી રાધે શ્યામનો’માં તે કૃષ્ણનું પાત્ર ભજવે છે.
‘તું શીખવવાની છે એટલે જ તો મેં આ કોર્સ જૉઇન કર્યો છે’ - એક આન્ટીના આ શબ્દો સાંભળીને હું એકદમ ઇમોશનલ થઈ ગયેલી
આઠમા ધોરણમાં ભણતી ૧૪ વર્ષની બંસી ભાનુશાલી નાની હતી ને નવરાત્રિમાં રમવા જતી ત્યારે ત્યાં રમનાર અન્ય બહેનોના ઘેરદાર ઘાઘરામાં અટવાઈ જતી. કેટલીક વાર ઘાઘરામાં ટાંકેલાં આભલાંનો ઘસારો લાગવાને કારણે તેને લોહી પણ નીકળ્યું છે અને આજે એ જ બંસી પોતાની જેટલા અને ઈવન પોતાનાથી મોટી ઉંમરના લોકોને ગરબા શીખવે છે. બંસી કહે છે, ‘મારી મમ્મીએ નવરાત્રિમાં અનેક અવૉર્ડ્સ જીત્યા છે. તેને જોઈ-જોઈને મને ગરબા રમવાનું ઘેલું લાગ્યું. મમ્મીને કૉપી કરતાં-કરતાં મને મસ્ત ગરબા રમતાં આવડી ગયા. હવે તો તે જ્યુરી તરીકે પણ જવા લાગી છે. તેનું આ પૅશન મારામાં આવ્યું છે. શરૂઆતમાં તો મમ્મીએ જ શીખવ્યું. તે જ મારા કૉસ્ચ્યુમ પણ ડિઝાઇન કરતી. એવરી ટાઇમ મને ઇનામ મળતાં એટલે જ વધુ સરસ પર્ફોર્મ કરવાનું એક્સાઇટમેન્ટ રહેતું. હું દસેક વર્ષથી થઈ ત્યારથી ગરબા વર્કશૉપમાં જવા લાગી. હું થનગાટ ઍકૅડેમીમાં જોડાઈ અને ત્યાં ૨૦૦ જણમાંથી મારું ટ્રેઇનર તરીકે સિલેક્શન થયું. હવે હું ગરબા રમતાં શીખવાડું છું.’
બંસી સતત ત્રણ વર્ષ ‘મિડ-ડે’નો મેઇન ફિનાલે જીતી છે. એ સિવાય પણ નવરાત્રિમાં અઢળક અવૉર્ડ જીતી ચૂકેલી બંસી કહે છે, ‘ઘરમાં દાદા-દાદી, મમ્મી-પપ્પા, ભાઈ અને અમારી સાથે રહેતાં મારાં માસી મને સતત સરસ પર્ફોર્મ કરવા માટે એન્કરેજ કરે છે. મમ્મી મેકઅપ આર્ટિસ્ટ છે અને પપ્પા બિઝનેસમૅન છે. મારા પપ્પાને રમવાનો શોખ નથી પરંતુ જેટલી પણ કોમ્પિટિશન થાય, હું જ્યાં પણ જાઉં પપ્પા સાથે ને સાથે જ હોય. ટ્રેઇનર બન્યા પછી શરૂઆતમાં મને નર્વસનેસ થતી. બૅચમાં બધા જ મારાથી મોટા હતા. પછી સરે અમને શીખવાડ્યું કે મોટાઓ સાથે કઈ રીતે ડીલ કરવાનું. તેમનો માઇન્ડસેટ જુદો હોય, એનર્જી જુદી હોય એટલે તેમને કેવી રીતે શીખવાડવું એ અમને સરે શીખવાડ્યું. ચાર ટ્રેઇનરોની ટીમ તરીકે હમણાં આ વર્ષે અમે ચાર બૅચને મેઇન લીડમાં શીખવાડ્યું છે. ચારેય બૅચ સફળ રહ્યા છે.’
લગભગ ૧૨૦ જણને ટ્રેઇન કરનારી બંસી પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘ટ્રેઇનર બનવા માટે પહેલાં બાકાયદા એક મહિનાની ટ્રેઇનિંગ લેવાની હોય જેમાં ડિજિટલ માર્કેટિંગથી લઈને તમામ પાસાંઓ શીખવવામાં આવે છે. ગ્રુપનાં સિગ્નેચર સ્ટેપ્સ સાથે નવાં સ્ટેપ્સ જાતે કઈ રીતે કરવાં અને પછી શીખવાડવાં, સ્ટેપ શીખવાડવા માટેનું પ્રૉપર કાઉન્ટિંગ એમ બધું જ શીખવવામાં આવે છે. સૌથી અઘરું હોય છે બેરલ્સ અને બટ રોલ જેવાં સ્ટેપ્સ શીખવાડવાનું. કારણ કે સ્ટેપ શીખવવાની એક ચોક્કસ પદ્ધતિ હોય. જો સરખી પ્રૅક્ટિસ ન કરીએ તો ઇન્જરી થઈ શકે અને મોટા ભાગના લોકો ઉતાવળ કરી બેસતા હોય છે. તમને એક સરસ મજાનો અનુભવ શૅર કરું. જ્યારે હું ટ્રેઇનર તરીકેનો ફર્સ્ટ બૅચ લઈ રહી હતી ત્યારે એક આન્ટી મારી પાસે આવ્યાં. તેઓ ઇન્સ્ટા પર મને બે-ત્રણ વર્ષથી ફૉલો કરતાં હતાં. પહેલા દિવસે મને હગ કરીને તે રડવા લાગ્યાં અને કહ્યું હું તને જ મળવા આવી છું. તું શીખવવાની છે એટલે જ મેં આ વર્કશૉપ જૉઇન કરી છે. હું તારી ફૅન છું. આ સાંભળીને મારું એનર્જી-લેવલ વધી ગયું હતું. મને થયું કે કંઈક તો થાય છે, આપણે કશુંક તો કરી રહ્યા છીએ.’
સ્પોર્ટ્સ માટે પણ સમય ફાળવે છે બંસી ભાનુશાલી
નવરાત્રિમાં જોરદાર ગરબે ઘૂમતી બંસી ભાનુશાલીની બેરલ્સ અને સ્પિનમાં માસ્ટરી છે સાથે તે એક ઍથ્લીટ પણ છે. તેના નામ પર સ્કેટિંગમાં ૧૧ વર્લ્ડ રેકૉર્ડ્સ બોલે છે. તેણે ઇન્ડિયન વર્લ્ડ રેકૉર્ડ્સ, લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્કેટિંગ માટે પોતાનું નામ નોંધાવ્યું છે. સતત ૭૨ કલાક નૉનસ્ટૉપ સ્કેટિંગ કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. સ્કેટિંગમાં બધું જ અચીવ કરી લીધું અને કંઈ ગ્રોથની શક્યતા રહી નહીં તેથી હાલ તે બાસ્કેટબૉલ રમી રહી છે. આ વર્ષે બંસીએ ગીતા રબારી, કિંજલ દવે સહિત અનેક નવરાત્રિ સિંગર્સ માટે પ્રમોશન પણ કર્યું છે.
- કાજલ રામપરિયા અને રાજુલ ભાનુશાલી