થાણે રાસરંગ ૨૦૨૪ આ વખતે કોપરીના ઑક્ટ્રૉય ગ્રાઉન્ડમાં યોજાશે

19 September, 2024 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંગળવારે ૧૭ સપ્ટેમ્બરે આ મેદાનમાં થાણે રાસરંગ ૨૦૨૪ નવરાત્રિ ઉત્સવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

મંગળવારે થાણે રાસરંગ ૨૦૨૪ નવરાત્રિ ઉત્સવના ભૂમિપૂજન પ્રસંગે આયોજકો

ખેલૈયાઓનો પ્રિય નવરાત્રિ ઉત્સવ થાણે રાસરંગ ૨૦૨૪ આ વખતે નવા મેદાનમાં યોજાશે. થાણે રાસરંગ ૨૦૨૪ આ વખતે મૉડેલા મિલ કમ્પાઉન્ડને બદલે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કોપરી વિસ્તારમાં હરિ ઓમ નગરની નજીક આવેલા ઑક્ટ્રૉય ગ્રાઉન્ડમાં ત્રીજીથી બારમી ઑક્ટોબર દરમ્યાન ધૂમ મચાવશે. મંગળવારે ૧૭ સપ્ટેમ્બરે આ મેદાનમાં થાણે રાસરંગ ૨૦૨૪ નવરાત્રિ ઉત્સવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ ૨૦૧૭થી યોજાઈ રહેલો આ નવરાત્રિ ઉત્સવ આ વર્ષે પણ CREDAI MCHI થાણે અને આશર ગ્રુપ દ્વારા પ્રસ્તુત અને જનસેવા પ્રતિષ્ઠાનના સહયોગથી આયોજિત થઈ રહ્યો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ‍ઢોલ‌કિંગ હનીફ-અસલમે ખેલૈયાઓને જલસો કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે અને તેમને આ વર્ષે સાથ આપશે સિંગર ઉમેશ બારોટ. આ ઉપરાંત ગાયકો દ્રવિતા ચોક્સી ઑબેરૉય, ફિરોઝ લાડકા, હેલી મજમુદાર અને રૂપાલી કશ્યપ પણ ખેલૈયાઓને જલસો કરાવશે. CREDAI MCHI થાણેના પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતાએ ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે ‘નવા મેદાનમાં ખેલૈયાઓને આવકારવા અમે ઉત્સુક છીએ. આરતી દરરોજ સાંજે સાત વાગ્યે થશે અને દરરોજ ટીવી અને બૉલીવુડ સ્ટાર ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા આવવાના છે.’ 

navratri Garba thane mumbai mumbai news festivals