10 October, 2024 03:20 PM IST | Mumbai | Ruchita Shah
સૅટેલાઇટ્સ ગ્રુપ
સૅટેલાઇટ્સ
પાર્લામાં એક જ એરિયામાં રહેતા ત્રણ ફ્રેન્ડ્સ રાજીવ શાહ, દીપક કુમાર અને જતીન શાહ. જસ્ટ કૉલેજ પૂરી કરી હતી અને ત્રણેયને મ્યુઝિકનું પૅશન એટલે સાથે બેસીને મ્યુઝિક વગાડે અને શોખ માટે લોકોને પણ એન્ટરટેઇન કરે. એ ગોલ્ડન દિવસો યાદ કરતાં રાજીવભાઈ કહે છે, ‘અમે જ્યાં રહેતા એનાથી ત્રણ બિલ્ડિંગ છોડીને મારા ભાઈના એક મિત્ર રહેતા હતા. તેમણે અમને પૂછ્યું કે તમે આટલું મ્યુઝિક વગાડો છો તો અમારા બિલ્ડિંગમાં નવરાત્રિ કરવા આવશો? હવે અમારી પાસે તો એ પ્રકારના મ્યુઝિકનું કોઈ નૉલેજ જ નહીં. અમે તો માત્ર બૉલીવુડ અને થોડાંક ઇંગ્લિશ ગીતો ઇન્સ્ટ્રુમેન્ટ પર વગાડતા અને નિજાનંદ માટે જેવું આવડે એવું ગાતા. હવે જવાબ શું આપવો એ વિચારતા હતા એમાં તે સામેથી બોલ્યા, લાગે છે કે તમારામાં હિંમત નથી વગાડવાની. અને અમને હાડોહાડ લાગી ગયું, હવે તો દેખાડી જ દઈએ. નવરાત્રિના ત્રણ દિવસ પહેલાં આવેલી આ ઑફર અમે સ્વીકારી લીધી અને ધનાધન તૈયારીમાં લાગ્યા. ગુજરાતી ગીતો અને માતાજીનાં જાણીતાં ભજનો કાઢ્યાં અને ઇન્સ્ટ્રુમેન્ટ પર એની પ્રૅક્સિસ શરૂ કરી. હું ગિટાર વગાડતો અને જતીન અને દીપક રિધમ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા. મોટા ભાગે ૧૯૭૬નું વર્ષ હતું અને સુંદરવન સોસાયટીમાં એ નવરાત્રિ થવાની હતી. એ લોકોની ગાર્ડન લાઉન્જમાં વચ્ચે અમે બેઠા હતા અને અમારી ફરતે લોકો ગરબા લેતા હતા. આ નવરાત્રિ બહુ જ સરસ રહી એટલે બીજા વર્ષે નજીકની કુમકુમ સોસાયટીમાંથી ઇન્વિટેશન મળ્યું. પૈસા હતા નહીં એટલે થયું કે જે આવક થશે એનાથી નવાં ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદીશું. બીજી નવરાત્રિ પણ જોરદાર ગઈ એટલે જુહુ સ્કીમના નાઇન્થ રોડ પર નવરાત્રિ માટે ગયા. એ વર્ષે પહેલી વાર અમે દાંડિયા સાથે એક નાનકડો રાઉન્ડ ગરબાનો પણ શરૂ કર્યો. ત્રણ વર્ષ ત્યાં નવરાત્રિ ચાલી. જુહુમાં હતા ત્યારે પહેલી વાર અમે સિંગર સાથેનું સંગીત આપ્યું. અમારા ગ્રુપના દીપક કુમાર ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની સાથે ગાતા પણ ખરા. એ પછી ભાઈદાસ હૉલ પાસે જશોદા રંગમંદિર ગ્રાઉન્ડમાં ખૂબ જ મોટા પાયે નવરાત્રિ યોજાઈ.’
અહીં ઉલ્લેખનીય છે કે સુંદરવનમાં થયેલી પહેલી નવરાત્રિમાં ૨૦૦ લોકો હતા, એ પછી ૪૦૦, જુહુ નાઇન્થ રોડ પર ૧૦૦૦ અને જશોદા રંગમંદિરના ગ્રાઉન્ડ પર આવ્યા ત્યારે બે હજાર લોકો હતા. રાજીવભાઈ આગળ કહે છે, ‘એ પછી અમને સાયનથી બોલાવવામાં આવ્યા. તમે એમ કહી શકો કે સાયનની નવરાત્રિથી અમે લોકોના ધ્યાનમાં આવ્યા; કારણ કે સાયનની નવરાત્રિમાં સાઉથ મુંબઈથી, સેન્ટ્રલ મુંબઈથી, વેસ્ટર્ન પરાંમાંથી એ બધેથી જ લોકો આવતા. પાસના પૈસા ખરચીને ત્યારે સાડાત્રણ હજારથી વધુ પબ્લિક હતી. એના પછી એક ચમત્કાર જેવો કિસ્સો થયો. અમારી નવરાત્રિ નક્કી થઈ હતી બાંદરાના ડ્રાઇવ ઇન થિયેટરમાં. એ થિયેટર પણ હવે તો તૂટી ગયું છે અને એની જગ્યાએ બિલ્ડિંગ બની ગયું છે. એ નવરાત્રિ માટે અમે હા પાડ્યા પછી અમને ખબર પડી કે જે લોકેશન પર એ થઈ રહી હતી ત્યાં લોકો નહીં આવે એનાં ઘણાં કારણો હતાં. એક તો નાળા પાસે એ ગ્રાઉન્ડ હતું એટલે ખૂબ વાસ આવતી, મચ્છરોનો ત્રાસ હતો અને પ્રમાણમાં એ એરિયા પણ અનસેફ ગણાતો. નવરાત્રિનો પહેલો દિવસ આવ્યો. આઠ-દસ હજારની કૅપેસિટી ધરાવતા એ ગ્રાઉન્ડ પર લોકો આવ્યા દોઢસો. યસ, મ્યુઝિશ્યનની ચાલીસ લોકોની ટીમ અને સામે માત્ર દોઢસો લોકો. એ પણ કંઈ રમવાના મૂડમાં નહોતા. અમને ખાતરી થઈ ગઈ કે આ નવરાત્રિ ફ્લૉપ જવાની. આયોજકોએ આ રિસ્પૉન્સ જોઈને એક કીમિયો અજમાવ્યો. એક દિવસ ગ્રાઉન્ડ પર એન્ટ્રી ફ્રી કરી નાખી. લાઇટિંગ થોડુંક વધુ લાઉડ કર્યું અને વાસ ન આવે એટલે રૂમ ફ્રેશનર જેવા સ્પ્રે છાંટવાનું શરૂ કર્યું. ફ્રી એન્ટ્રી જાણીને લોકો આવ્યા અને પછી અહીંની વ્યવસ્થા જોઈને ત્રીજા દિવસે સંખ્યા એટલી વધી ગઈ કે ઊભા રહેવાની જગ્યા ન મળે. આ આયોજકો માટે પણ ચમત્કાર હતો અને અમારા માટે પણ. એ દિવસથી લગભગ દસ વર્ષ એવાં ગયાં કે અમારી પાસે શ્વાસ લેવાનો સમય નહોતો. નવરાત્રિ પૂરતું નહીં પણ આખું વર્ષ લગ્નપ્રસંગોમાં અમારે દાંડિયા નાઇટ માટે પ્રોગ્રામ આપવા પડતા હતા. એ સમયે અમારી સાથે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં મુખ્યરૂપે અજય શેઠ, હિતેશ શુક્લા, પ્રણય દેસાઈ અને હિતેન શાહ હતાં.’
ઘાટકોપર જૉલી જિમખાનામાં પણ સૅટેલાઇટ્સે ઘણાં વર્ષો સુધી નવરાત્રિ યોજી હતી. રાજીવભાઈ કહે છે, ‘અમારી મૅક્સિમમ નવરાત્રિ ઘાટકોપરમાં થઈ છે, જેને બ્રેક લાગી ટાઇમ-લિમિટનો રૂલ આવ્યો ત્યારે. દસ વાગ્યે નવરાત્રિ પૂરી કરવાની વાત જ લોકોને શરૂઆતમાં ડાઇજેસ્ટ ન થઈ. એટલે રિસ્પૉન્સ ઘટવા માંડ્યો. એ પછીયે લગભગ આઠેક વર્ષ નવરાત્રિ કરી. કુલ ૨૯ વર્ષ માત્ર ફન ખાતર શરૂ થયેલા અમારા ગ્રુપે મુંબઈમાં નવરાત્રિ કરીને લોકોને ગરબે ઘૂમતા કર્યા. ૨૦૧૨માં નવરાત્રિ કરી એ પછી યંગેસ્ટ મેમ્બર જે ડ્રમ વગાડતા હતા તેમનું ડેથ થઈ ગયું. એ પછી બ્રેક લીધો અને ફરી ૨૦૧૬માં એક પરિચિત મિત્રના આગ્રહથી ૨૦૧૬માં સિંગલ નવરાત્રિ ઘાટકોપરના પોલીસ ગ્રાઉન્ડમાં કરી હતી. હવે ઘણું બદલાયું છે. ડેફિનેટલી અમે એ ગોલ્ડન દિવસોને મિસ કરીએ છીએ, પણ હવે ફરી એ રીતે નવરાત્રિ કરવાનું કદાચ શક્ય નહીં બને.`
"અમે એન્જૉય કરવા માટે નવરાત્રિ કરતા એટલે કેટલા પૈસા માગવા અને કઈ રીતે બિઝનેસની દૃષ્ટિએ ગ્રોથ કરવો એ અમને ન આવડ્યું. અમે મ્યુઝિકમાં વધારે હતા પણ સારા બિઝનેસમૅન નહોતા. ગરબામાં ગીતો ગાવાની શરૂઆત અમારા થકી થઈ એનો આનંદ છે."
વિજુ શાહ
બૉલીવુડ મ્યુઝિકમાં જેમણે ખૂબ કામ કર્યું અને જેમણે બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ઇન્ડસ્ટ્રીમાં માતબર અવૉર્ડ મેળવ્યા છે એવા અગ્રણી મ્યુઝિશ્યન વિજુ શાહની નવરાત્રિમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊભરાતો. કલ્યાણજીભાઈના પુત્ર વિજુભાઈ એ ગોલ્ડન ઈરાની વાત કરતાં કહે છે, ‘એંસીના દશકના આરંભમાં મિત્રના આગ્રહથી જુહુ સિક્સ્થ રોડ પર નવરાત્રિની શરૂઆત કરી ત્યારે માત્ર કીબોર્ડ વગાડતો, પણ એમાં જે રિસ્પૉન્સ મળ્યો અને નવું-નવું શીખવા મળ્યું કે એ જર્ની આગળ વધી. ૧૯૯૪ સુધી તો અવિરત નવરાત્રિઓ કરી. જુહુથી વડાલાના સેન્ટ જોસેફ સ્કૂલના ગ્રાઉન્ડમાં અને પછી વડાલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં કરેલી નવરાત્રિ એટલી હિટ રહી કે ઑર્ગેનાઇઝર માટે ક્રાઉડને મૅનેજ કરવાનું અઘરું થઈ પડતું. આ એ સમય હતો જ્યારે ગ્રાઉન્ડ પર માત્ર રમવાવાળા લોકો હોય. જેમને માત્ર જોવું હોય તેમને માટે અલગ કૉરિડોરમાં બેસવાની વ્યવસ્થા હતી. મને યાદ છે કે ૧૯૯૩માં બચ્ચનસાહેબને વડાલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં લઈ આવેલો. લગભગ આઠ હજાર લોકો રમતા અને ત્રણ હજાર લોકો બેસીને જોતા. ક્રાઉડ જોઈને તેઓ પણ અચંબિત હતા અને ખુશ-ખુશ થઈ ગયા હતા.’
તેમના સમયની વાતો કરતાં વિજુભાઈ કહે છે, ‘અગિયાર-સાડાઅગિયારે શરૂ થાય અને બેઅઢી વાગ્યે નવરાત્રિ પૂરી થાય. લોકો મન મૂકીને નાચતા. મારી નવરાત્રિમાં મેં ક્યારેય સિંગરોના ડિસ્પ્લે સાથે પ્રમોશન કર્યું નથી. મ્યુઝિકના દમ પર જ લોકો આવતા. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ અમે ઘણા નવાં-નવાં ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યાં હતાં. આઠ-આઠ કીબોર્ડ એકસાથે વાગતાં હોય. અફકોર્સ, સિંગર સરપ્રાઇઝ ફૅક્ટર હતા.’
૧૯૯૫માં નવરાત્રિમાંથી બ્રેક લેવા પાછળનું કારણ આપતાં વિજુભાઈ કહે છે, ‘મુંબઈમાં બૉમ્બબ્લાસ્ટ થયા પછી માહોલ બદલાયો હતો. ૨૦૦૧, ૨૦૦૨, ૨૦૧૧માં ફરી એક વાર પરિચિતોના આગ્રહને કારણે નવરાત્રિ કરેલી. ૨૦૧૮માં કચ્છમાં છેલ્લી નવરાત્રિ કરી. એ પછી કોવિડ આવ્યો અને એ પછી મન નથી થયું. અત્યારે બીજું કામ એટલું છે કે નવરાત્રિ માટે સમય પણ નહીં નીકળે. પ્લસ
હવે ફરી શરૂ કરવી હોય તો ટીમને ફરીથી એકઠી કરવી પડે અને ઍડ્વાન્સ તૈયારીઓ પણ કરવી પડે. છેલ્લી ઘડીએ લોકો જાગતા હોય છે આજના સમયે. પંદરેક દિવસ પહેલાં મને નવરાત્રિ માટે ઑફર આવી, પણ ત્યારે એ શક્ય નહોતું. લાઇવ પર્ફોર્મન્સનો પોતાનો ચાર્મ હોય છે એટલે કોઈ સારી ઑફર હશે તો ભવિષ્યમાં ફરી એ ભૂતકાળના ગોલ્ડન ડેઝને જીવંત કરીશ
પણ ખરો. રીસન્ટ્લી, અમેરિકામાં એક શો દરમ્યાન વચ્ચે દસ મિનિટનો ગરબાનો રાઉન્ડ કર્યો હતો અને લોકો ખુશ-ખુશ થઈ ગયા હતા. આજેય મારી ઇન્ટરનૅશનલ ટૂર દરમ્યાન
લોકો વડાલાની નવરાત્રિ યાદ કરતા હોય છે.’
બામ્બુ બીટ્સ
મુંબઈમાં કમર્શિયલ નવરાત્રિની મોટા પાયે ઉજવણી થઈ એમાં અગ્રણી ભૂમિકા ભજવનારા બામ્બુ બીટ્સને ઓળખની જરૂર નથી. નોકરીની સાથે શોખ માટે મ્યુઝિક સાથે જોડાયેલા કીર્તિ લાલન-ગિરીશ મહેતા ઍન્ડ ટીમનો એ સમયનો દબદબો એવો હતો કે નવરાત્રિ ઉપરાંત પણ મહિનાના વીસ દિવસ લગ્નોમાં થતી દાંડિયા-નાઇટ માટે આ ગ્રુપના પ્રોગ્રામ્સ બુક રહેતા. આ વર્ષે ભુજ, સિકંદરાબાદ અને રાજકોટમાં એમ ત્રણ જગ્યાએ નવરાત્રિ કરી રહેલા બામ્બુ બીટ્સની જર્ની ૧૯૮૦માં શરૂ થઈ અને આજ સુધી વણથંભી રહી છે. ગ્રુપના કો-ફાઉન્ડર અને નવરાત્રિની સાથે બૉલીવુડના કન્સેપ્ટ-શો પ્રોડ્યુસ કરતા ગિરીશભાઈ કહે છે, ‘અમે ઑર્કેસ્ટા વગાડતા. મ્યુઝિકનો શોખ અને એમાં નવરાત્રિની ઑૅફર આવી એટલે અમે એ પડકાર ઉપાડી લીધો. અમારી પહેલી નવરાત્રિ હીરાપન્ના બિલ્ડિંગમાં હતી. આ એ સમય હતો જ્યારે મ્યુઝિશ્યન રોડ પર વગાડતા અને ત્યાં જ દાંડિયા રમાતા. ૧૯૯૦ પછી ગરબા ગ્રાઉન્ડ પર થવા માંડ્યા.’
૨૦૦૦ની સાલ સુધી દર વર્ષે મુંબઈમાં નવરાત્રિ થકી ડંકો વગાડનારા આ ગ્રુપના કીર્તિ-ગિરીશે એ પછી ગુજરાતનાં આમંત્રણોને માન આપીને ત્યાં નવરાત્રિ શરૂ કરી. ૧૯૮૪માં સૅટેલાઇટ્સ ગ્રુપની જેમ આ ગ્રુપે પણ સિંગર લૉન્ચ કર્યા અને નવરાત્રિમાં ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સાથે સિન્ગિંગની પરંપરા પણ શરૂ થઈ. છેલ્લાં ૨૪ વર્ષથી ગુજરાતમાં અને પાંચ વર્ષથી હૈદરાબાદમાં પણ નવરાત્રિ કરતા ગિરીશભાઈ કહે છે, ‘૧૯૮૪માં જ્યારે સૅટેલાઇટ્સમાં દીપક કુમાર ગાતો ત્યારે અમે કિશોર મનરાજાને લઈ આવેલા. શરૂઆતમાં ફીમેલ સિંગરનો ક્રેઝ નહોતો પણ પછી અમે ફીમેલ સિંગર્સને પણ ઇન્ટ્રોડ્યુસ કરી. મ્યુઝિકમાં ફેરફાર આવવા માંડ્યા પણ અમે ટ્રેડિશનલ ટચ જળવાયેલો રહે એવા પ્રયાસો કર્યા છે. ખેલૈયા CD લૉન્ચ કરી ત્યારે પણ પરંપરાગત ગરબાનો ચાર્મ અકબંધ રહે એ જ પહેલું ધ્યેય હતું. ખેલૈયાની પહેલી CDને મળેલા જોરદાર રિસ્પૉન્સથી એ પછી તો ગરબા સાથે ડિસ્કો દાંડિયાની ઘણી CD લૉન્ચ કરી. ‘ખેલૈયા’ ટાઇટલ સાથેની આવી દસ કરોડથી વધારે કૅસેટ અને CDનું વેચાણ થઈ ચૂક્યું છે.’
બામ્બુ બીટ્સે રેકૉર્ડ કરેલી CD અને કૅસેટ આજે પણ અનેક કલાકારો માટે પ્રાથમિક ટ્રેઇનિંગનું કામ કરી રહી છે. નવરાત્રિમાં સિન્ગિંગ કરવા ઇચ્છતા લોકો બામ્બુ બીટ્સના ખેલૈયાનાં સૉન્ગ્સ, એનું મ્યુઝિક અને એના રિધમને ફૉલો કરીને જ આગળ વધતા હોય છે.