20 October, 2023 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
વિધાનસભ્ય પ્રવીણ દરેકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખી ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે એ માટે હાલ જે બે દિવસની પરવાનગી આપવામાં આવી છે એમાં એક દિવસનો વધારો કરી એ ત્રણ દિવસની કરવામાં આવે એવી રજૂઆત કરી છે.
પ્રવીણ દરેકરે એ પત્રમાં કહ્યું છે કે ઉત્તર મુંબઈમાં ૧૦થી ૧૨ મોટી-મોટી નવરાત્રિઓ ઊજવાઈ રહી છે. એ સાથે જ મોટી સોસાયટીઓમાં પણ નવરાત્રિની ઉજવણી થાય છે. જોકે હાલ સાંજે ૭થી રાતના ૧૦ સુધી જ નવરાત્રિની પરવાનગી અપાય છે. માત્ર બે જ દિવસ સુધી રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવા અપાય છે. મુંબઈમાં લોકો કામ-ધંધેથી જ મોડે આવતા હોવાથી રાતના ૧૦ વાગ્યા સુધીના આયોજનમાં તેમને ગરબા રમવાનો પૂરતો આનંદ મળી શકતો નથી. એટલે હાલના બે દિવસમાં એક દિવસનો અને એ પણ જો શનિવારે વધારો કરી શકાય તો બીજા દિવસે રવિવારની જાહેર રજા હોવાથી લોકો એનો વધુ આનંદ લઈ શકે એવી રજૂઆત તેમણે કરી છે.