midday

નવરાિત્રમાં નહીં નડે વરસાદનું વિઘ્ન

27 August, 2022 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોમાસું ૩૦ને બદલે ૧૫ સપ્ટેમ્બરે પૂરું થાય એવું વાતાવરણ નિર્માણ થયું : સીઝનના અંત પહેલાં મુંબઈ સહિત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે એવી પણ આગાહી કરાઈ છે
ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

મુંબઈ અને થાણે સહિત રાજ્યભરમાં અત્યારે શ્રાવણ મહિનામાં પડતો હોય એવો છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં કેટલાંક સ્થળે મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી ગઈ કાલે કરી હતી. આ વર્ષે ચોમાસું ગયા વર્ષ કરતાં પંદર દિવસ વહેલું વિદાય લેવાની શક્યતા છે. આમ એ ૧૫ સપ્ટેમ્બરની આસપાસ વિદાય લે એ શક્યતાને ધ્યાનમાં લેતા ૨૪ ઑક્ટોબરથી શરૂ થતી નવરાિત્રમાં વરસાદનું વિધ્ન નહીં નડે એવું અત્યારે તો લાગે છે. આ વરસાદ વળતા ચોમાસાના ભાગરૂપે થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રમાં આ વખતે ૨૭ ટકા વધુ વરસાદ થયો છે. ગયા વર્ષે ૧૬૬૨ એમએમની એવરેજ એટલે કે ૬૬ ઇંચની તુલનામાં આ વર્ષે ૧૮૩૭ એમએમ એટલે કે ૭૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જોકે મુંબઈમાં અત્યારે સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ મુંબઈ અને થાણે સહિત રાજ્યના કેટલાક ભાગમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે. જોકે હવામાન વિભાગે એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે આ વર્ષે ચોમાસું વહેલું વિદાય લે એવું વાતાવરણ નિર્માણ થયું છે એટલે આ વરસાદ ચોમાસું પૂરું થાય એની પહેલાંનો એટલે કે વળતા ચોમાસાનો હશે. 

ચોમાસાની વહેલી વિદાય
સામાન્ય રીતે વળતા ચોમાસાની શરૂઆત ૧૭ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન થાય છે. જોકે આ વર્ષે હવામાન એવું નિર્માણ થયું છે કે ચોમાસાની વિદાય આવતા મહિનાના પખવાડિયામાં જ શરૂ થઈ જશે, જે પંદરેક દિવસ રહેવાની શક્યતા છે.

મુંબઈમાં ઓછો, પણ રાજ્યમાં ૨૭ ટકા વધુ વરસાદ
મુંબઈમાં સરેરાશ ૯૫થી ૧૦૦ ઇંચ એટલે કે ૨૩૭૫ એમએમથી ૨૫૦૦ એમએમ વરસાદ થાય છે. જોકે આ વર્ષે અત્યાર સુધીમાં મુંબઈમાં ૨૦૮૬ એમએમ વરસાદ થયો છે. આ વર્ષે ચોમાસું મોડું શરૂ થયું હોવા છતાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં વરસાદે જોરદાર બૅટિંગ કરતાં વરસાદની ખાધ હતી. ૨૪ જિલ્લામાં ૬૦ ટકાથી વધુ, ચાર જિલ્લામાં ૨૦ ટકાથી વધુ તો ૮ જિલ્લામાં સામાન્ય વરસાદ થયો છે. આ વર્ષે રાજ્યનો એકેય એવો જિલ્લો નથી જ્યાં સંતોષજનક વરસાદ ન પડ્યો હોય.

વિદર્ભ-મરાઠવાડામાં લીલો દુકાળ
સામાન્ય રીતે દર વર્ષે વિદર્ભ-મરાઠવાડામાં ઓછો વરસાદ થાય છે એટલે અહીં પાણીની સમસ્યાથી લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ આ વર્ષે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હોવાથી અનેક વખત પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી. પૂરને લીધે જમીનનું ધોવાણ થવાથી ખેતીને મોટું નુકસાન થયું છે. આથી અહીં લીલો દુકાળ જાહેર કરવાની માગણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે અહીં ૧૩થી ૧૫ ઇંચ વરસાદ થાય છે. એની સામે અત્યાર સુધી ૨૦ ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.

mumbai mumbai news mumbai monsoon mumbai rains navratri