હે મા! માતાજી...

01 October, 2021 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારના મનમાં ન વસ્યાં માતાજી, ભક્તોને કર્યા નિરાશ : ગરબા-રાસની રમઝટ વિના જ મન મારીને નવરાત્રિ અજંપામાં કાઢવી પડશે ખેલૈયાઓએ : સોસાયટીઓમાં પણ ગરબાની સાફ ના

છેલ્લાં બે વર્ષથી તો આવી રીતે મન મૂકીને ખેલૈયાઓ ગરબા રમી શકે એ ઇચ્છા તો મનમાં ને મનમાં જ રહી ગઈ છે. હજી એક વર્ષ રાહ જોવી પડશે ખેલૈયાઓએ

હજી કોરોનાએ એક્ઝિટ લીધી ન હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ આ વર્ષે પણ ગરબે રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. માતાજીની આરતી અને ભજન કરી શકાશે, એ પણ લિમિટેડ લોકોમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે જ.

ગઈ કાલે સુધરાઈએ બહાર પાડેલી ગાઇડલાઇન્સથી ગરબારસિકો તેમ જ કલાકારો નારાજ થઈ ગયા છે. સતત બીજી નવરાત્રિમાં માતાજીની ભક્તિનો લાભ ન મળવાની વ્યથા સાથે જાણીતા સિંગર નીલેશ ઠક્કરે સુધરાઈએ બહાર પાડેલી ગાઇડલાઇન્સ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે રીતે કોરોનાનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે એ રીતે અમને કલાકારોને એવું લાગતું હતું કે સોસાયટીઓમાં ગરબા રમવાની પરવાનગી આપવામાં આવશે. એનું કારણ એ છે કે જો કોઈ સોસાયટીમાં ૧૦૦ જણ રહેતા હોય તો એમાંથી પચાસ ટકા લોકો જ નીચે ઊતરે છે અને એ પચાસ ટકામાંથી પણ અડધા લોકો જ ગરબા રમતા હોય છે. આ જોતાં કોરોનાના નિયમોનું પાલન કરીને માતાજીની ભક્તિ કરવી શક્ય છે. સોસાયટીમાં બધા એકબીજાને ઓળખતા હોવાથી મારા મતે ખાસ વાંધો આવ્યો ન હોત. જે રીતે ગણેશોત્સવ કોરોનાના નિયમોનું પાલન કરીને નિર્વિઘ્ને પાર પાડવામાં આવ્યો એ જ રીતે નવરાત્રિમાં પણ સોસાયટીઓમાં ગરબાનું આયોજન થઈ શક્યું હોત. છેલ્લાં બે વર્ષથી આર્ટિસ્ટો ઘરે બેઠા છે. જો નાની નવરાત્રિઓ પણ થઈ હોત તો થોડીઘણી રાહત મળી હોત. આ સિવાય અમારા જેવા કલાકારો નવરાત્રિ સાથે ઇમોશનલી પણ જોડાયેલા હોવાથી એ ન થવી એને સારી નિશાની નથી ગણતા. સરકારે આ બાબતે વિચારવું જોઈતું હતું.’

નવરાત્રિના પહેલા જ દિવસે મંદિરો પણ ખૂલી જવાનાં છે ત્યારે મહાનગરપાલિકાએ નવરાત્રિ ઉત્સવ પર પ્રતિબંધ જાહેર કરીને ફક્ત ખેલૈયાઓને જ નહીં, મુંબઈના હિન્દુ સમાજને ઝટકો આપ્યો છે એમ જણાવતાં ઘાટકોપર-ઈસ્ટની વસુંધરા સોસાયટીના કમિટી મેમ્બર વિપુલ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિરો ખૂલવાનાં હોવાથી અમે સોસાયટીમાં નવરાત્રોત્સવ ઉજવણી કરવા માટે અતિઉત્સાહમાં હતા. ગઈ કાલે અમે નવરાત્રોત્સવની તૈયારી માટે અમારા પદાધિકારીઓની મીટિંગ કરવા બેઠા હતા ત્યાં જ અમને મોકાણના સમાચાર મળ્યા હતા કે મુંબઈ મહાનગરપાલિકાએ સોસાયટીઓમાં પણ નવરાત્રોત્સવની ઉજવણી પણ નિયંત્રણો મૂકી દીધાં છે. આ સમાચાર અત્યંત આઘાતજનક છે. માતાજીની ભક્તિ પર લગાડેલી રોકથી માતાજીના ભક્તોમાં નિરાશા છવાઈ ગઈ છે. સરકારે આ મુદ્દે ફેરવિચારણા કરવાની તાતી જરૂર છે અને પહેલા નોરતા પહેલાં જ માતાજીના ભક્તો રાસ-ગરબા રમી શકે એવો આદેશ આપશે એવી અમને માતાજી પર શ્રદ્ધા છે.’

નવરાત્રિ આવી નથી કે મારા પગ થનગન કરવા લાગે છે એમ જણાવતાં અંધેરી-વેસ્ટની ભાવિકા ભાવિન જાંજરકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે તો કોરોનાએ નવરાત્રિ રમવા પર પ્રતિબંધ મૂક્યો અને આ વર્ષે મહાનગરપાલિકાએ ફરીથી સોસાયટીમાં અને ગલીમાં નવરાત્રિ રમવા પર નિયંત્રણ મૂકતાં મને ખૂબ જ દુઃખ થયું છે. રાસ-ગરબા દ્વારા માતાજીની ભક્તિનો ઉત્સાહ જ અનેરો હોય છે. જ્યાં સુધી બે-પાંચ ગરબા ન રમીએ ત્યાં સુધી મનને સંતોષ નહીં જ મળે. આ નવરાત્રિમાં પણ મન મારીને રહેવું પડશે.’

શું છે ગાઇડલાઇન્સમાં?

ગઈ કાલે બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ ગણપતિની જેમ એમાં પણ માતાજીની મૂર્તિ સાર્વજનિક નવરાત્રોત્સવમાં ૪ ફૂટ અને ઘરે પધરાવવાની મૂર્તિ બે ફૂટથી ઊંચી ન હોવી જોઈએ. બની શકે તો મૂર્તિ શાડુ માટીની પર્યાવરણપૂરક હોય તો સારું. આગમન અને વિસર્જનમાં વધુમાં વધુ ૧૦ માણસોને છૂટ, બની શકે તો ઘરઘરાઉ મૂર્તિનું ઘરમાં જ અથવા કમ્પાઉન્ડમાં જ વિસર્જન કરવું, ભીડમાં ન જવું-ટાળવું, ગરબાનું આયોજન ન કરવું, એને બદલે રક્તદાન શિબિરનું આયોજન કરવાનું કહેવામાં આવ્યું છે. 

મંડપ બહુ મોટો ન રાખવો. મંડપનું દિવસમાં ૩ વાર સૅનિટાઇઝેશન કરવું. મંડપમાં જે કાર્યકરો હોય તેમણે વૅક્સિનના બે ડોઝ લીધા હોવા જોઈએ. મંડપમાં એક જ સમયે પાંચ કરતાં વધુ વ્યક્તિ હાજર નહીં રહી શકે. દરેકે માસ્ક પહેરવો ફરજિયાત છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જાળવવું પડશે. આરતી, ભજન, કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમ વખતે પણ બહુ લોકોની ભીડ ન થાય એનું ધ્યાન રાખવું, એમાં પણ વધુમાં વધુ ૧૦ જણને છૂટ આપવામાં આવી છે.  

mumbai mumbai news brihanmumbai municipal corporation navratri