12 September, 2024 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના ઐરોલીમાં રહેતી ૩૨ વર્ષની રાણી ધોત્રેનું મંગળવારે સાંજે બેલાપુર સિગ્નલ પર એક કારે તેમની મોટરસાઇકલને ટક્કર મારતાં મૃત્યુ થયું હતું. સીબીડી બેલાપુર પોલીસે કાંદિવલીમાં રહેતા કારચાલક દીપેન વડાલિયા સામે ગઈ કાલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. રાણી તેના પતિ પંડિત સાથે ઐરોલીથી પનવેલ મોટરસાઇકલ પર જઈ રહી હતી. એ દરમ્યાન બેલાપુર સિગ્નલ પર રેડ સિગ્નલ હોવાથી પંડિતે મોટરસાઇકલ ઊભી રાખી હતી ત્યારે પાછળથી પૂરપાટ આવી રહેલી દીપેનની કારે ટક્કર મારી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ ઘટના પછી અમે દીપેન સામે ફરિયાદ નોંધીને તેની કાર જપ્ત કરી છે એમ જણાવતાં સીબીડી બેલાપુર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગિરધર ગોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધોત્રે દંપતી મંગળવારે સવારે ૧૦ વાગ્યે પનવેલમાં રહેતા એક મિત્રને મળવા મોટરસાઇકલ પર ઐરોલીથી નીકળ્યું હતું. એ દરમ્યાન બેલાપુર સિગ્નલ પર રેડ લાઇટ જોઈને તેમણે મોટરસાઇકલ ઊભી રાખી હતી. ત્યારે પાછળથી આવી રહેલી કારે તેમની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી, જેમાં રાણી ધોત્રેના માથામાં ગંભીર ઈજા થવાથી તેને તાત્કાલિક એમજીએમ હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડવામાં આવી હતી. જોકે હૉસ્પિટલમાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ અમે કારચાલક દીપેન વડાલિયા સામે ફરિયાદ નોંધીને તેની કાર જપ્ત કરી છે. આ કેસમાં બેલેબલ કલમ હોવાથી તેની ધરપકડ કરવામાં આવી નથી.’