10 December, 2024 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના ૬૦ વર્ષના સિનિયર સિટિઝન અને ડિઝાઇન કન્સલ્ટન્ટને શૅરબજારમાં ઑનલાઇન રોકાણ કરશો તો બહુ બધું વળતર મળશે એમ જણાવી પાંચ જણે તેમની સાથે ૫૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આરોપીઓએ ઑક્ટોબર મહિનામાં ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને શૅરબજારમાં રોકાણ કરવા જણાવ્યું હતું. તેમણે એ માટે તેમને ઑનલાઇન લિન્ક મોકલાવી હતી અને એમાં પૈસા જમા કરવા કહ્યું હતું. એથી ઑક્ટોબરથી લઈને ૨૮ નવેમ્બર સુધીમાં તેમણે ૫૮ લાખ રૂપિયા એ લિન્ક પર આપેલી વિગતો અને અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. તેમના શૅરબજારના એ અકાઉન્ટ (જે ફેક હતું) પર તેમના રોકાણ પર તેમને બહુબધો ફાયદો થયો હોવાનું દેખાડવામાં આવતું હતું અને એ રકમ ૫.૧૨ કરોડ બતાવતી હતી. એથી એમાંથી તેમણે પૈસા ઉપાડવાની કોશિશ કરી ત્યારે એમાંથી પૈસા ઉપાડી શકાતા નહોતા. આ કારણસર તેમણે આરોપીઓનો ફરીથી સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે બીજા ૫૦.૮ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરશો તો તમે પૈસા ઉપાડી શકશો. એ પછી આરોપીઓ તેમની પાસે સતત પૈસા માગી રહ્યા હોવાથી તેમને શંકા ગઈ હતી અને તેમણે નવી મુંબઈ પોલીસની સાઇબર પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીઓ સામે છેતરપિંડી અને ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી (IT) ઍક્ટ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.