25 April, 2024 07:45 AM IST | Mumbai | Bakulesh Trivedi
પોલીસને મળેલું CCTV કૅમેરાનું આ ફુટેજ કામ લાગ્યું હતું.
નવી મુંબઈની નેરુળ પોલીસે એક હત્યાના કેસને ગજબનું ભેજું વાપરીને ઉકેલ્યો છે. એક કચરો વીણનારાની હત્યાના કેસમાં પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટીવી (CCTV) કૅમેરાના ફુટેજમાં દેખાયેલા શ્વાનને શોધીને એના આધારે આરોપી સુધી પહોંચી જઈને તેની ધરપકડ કરી હતી.
નવી મુંબઈ પોલીસે આ કેસ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘૧૩ એપ્રિલે નેરુળ બ્રિજ નીચેથી અંદાજે ૪૫ વર્ષના એક માણસનો લોહીમાં લથબથ મૃતદેહ મળી આવ્યો હતો. એ કેસના હત્યારાને ઝડપી લેવા નેરુળ પોલીસે આજુબાજુના વિસ્તારોના CCTV કૅમેરાનાં ફુટેજ મેળવ્યાં હતાં. એમાં હત્યા થઈ એ ક્ષણો પણ ઝિલાઈ ગઈ હતી. ફુટેજમાં જણાઈ આવ્યા મુજબ હત્યારાએ કચરો વીણનારાના માથામાં કોઈ વસ્તુ ફટકારીને તેની હત્યા કરી હતી. એમાં હત્યારાનો થોડો જ સાઇડ-ફેસ દેખાતો હતો એટલે તેની ઓળખ કરવાનું મુશ્કેલ હતું. જોકે એ ફુટેજનો અભ્યાસ કરતાં નેરુળ પોલીસ-સ્ટેશનના અસિસટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર સચિન ઢગેએ નોંધ્યું કે હત્યા થઈ રહી હતી ત્યારે ત્યાં કાળા રંગનો એક શ્વાન પણ નજીકમાં જ ઊભો હતો એટલું જ નહીં, હત્યા થઈ રહી હોવા છતાં એ જરા પણ ભસ્યો નહોતો. એથી એ શ્વાન હત્યારાનો પાળેલો હોવો જોઈએ એવા તારણ પર પોલીસ પહોંચી હતી. પોલીસે શ્વાનને શોધવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. ફ્લાયઓવર નીચેની ફુટપાથ પરથી એ શ્વાન મળી આવ્યો હતો. આજુબાજુમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે એ શ્વાન ખાસ કરીને ભૂરિયા નામના યુવાન સાથે જોવા મળતો હતો. એથી પોલીસે તપાસ કરીને ભૂરિયાને પણ ઝડપી લીધો હતો. પોલીસે ભૂરિયાને ઝડપી લેતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. ભૂરિયાનું સાચું નામ મનોજ પ્રજાપતિ છે. તે અને કચરો વીણનારો એકબીજાને ઓળખતા હતા. પેલો તેને મારતો હતો અને તેની પાસેના પૈસા પડાવી લેતો હતો એટલે ગુસ્સામાં આવીને ભૂરિયાએ તેની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. તેણે કહ્યું હતું કે તે અવારનાવર એ શ્વાનને ખાવાનું આપતો હતો એટલે એની સાથે તેની દોસ્તી થઈ ગઈ હતી અને તેઓ સાથે જોવા મળતા હતા.’