કચ્છથી દિવાળી મનાવવા આવ્યા, પણ લૂંટાઈને ગયા

22 November, 2023 11:50 AM IST  |  Mumbai | Mehul Jethva

નવી મુંબઈ દીકરાના ઘરે આવેલા સિનિયર સિટિઝન જૈન સ્થાનકમાં પ્રવચન સાંભળવા નીકળ્યા હતા, પણ રસ્તામાં પોલીસ હોવાનું કહીને ગઠિયાઓએ અઢી લાખના દાગીના પડાવી લીધા

પ્રતીકાત્મક તસવીર

કચ્છથી નવી મુંબઈ દીકરાના ઘરે દિવાળી નિમિત્તે આવેલા સિનિયર સિટિઝન નજીકના જૈન સ્થાનકમાં પ્રવચન સાંભળવા ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન ઘરથી થોડે દૂર મેઇન રોડ પર આવતાં બે લોકો તેમને મળ્યા હતા. તેમણે પોલીસ હોવાનો દાવો કરીને અહીં ડ્રગ્સ લઈને બહુ લોકો ફરે છે એમ કહીને તેમની તલાશી લીધી હતી. ત્યાર બાદ ફરિયાદીએ પહેરેલા દાગીના કઢાવી એક રૂમાલમાં મૂકી વાતોમાં ભોળવીને એ રૂમાલમાંથી અઢી લાખ રૂપિયાના દાગીના સેરવીને ત્યાંથી નાસી ગયા હતા. સિનિયર સિટિઝને થોડી વાર બાદ દાગીના કાઢવા રૂમાલ તપાસ્યો ત્યારે એ ન મળી આવતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં આ ઘટનાની ફરિયાદ વાશી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

કચ્છના રાપર તાલુકામાં રહેતા ૮૦ વર્ષના પાલન છાડવાએ કરેલી ફરિયાદ અનુસાર તેઓ દિવાળી નિમિત્તે પુત્રના ઘરે વાશી સેક્ટર-૧૨માં આવ્યા હતા. દરમિયાન સોમવારે સવારે આઠ વાગ્યે સેક્ટર-૧૪માં જૈન ધર્મસ્થાનકમાં પ્રવચન સાંભળવા નીકળ્યા હતા. તેઓ ઘરેથી નીકળી એમ. જી. કૉમ્પ્લેક્સના ગેટની સામેના રોડ પર આવ્યા ત્યારે પહેલેથી જ ત્યાં બ્લુ સ્કૂટર પર હાજર અંદાજે ૪૦ વર્ષ માણસે પાલનભાઈને પોતાની નજીક બોલાવ્યા હતા અને પોલીસ હોવાનું ઓળખપત્ર બતાવીને પોતે હવાલદાર હોવાનું કહ્યું હતું. એની સાથે કહ્યું હતું કે બે-ત્રણ દિવસથી અહીં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે એટલે અમારા સાહેબે અમને કહ્યું છે કે અહીં આવતા લોકોની તપાસ કરો. તેણે વધુમાં કહ્યું હતું કે અમારી આગળ મોટી ગાડી ઊભી છે જેમાં તમારું સોનું કઢાવીને ૨,૦૦૦ રૂપિયા દંડ કરવામાં આવશે. એ પછી સ્કૂટર પર પાછળ બેસેલા માણસે એક રૂમાલ કાઢ્યો હતો અને ફરિયાદીને તેણે પહેરેલા દાગીના રૂમાલમાં રાખવા માટે કહ્યું હતું. પછી એ જ રૂમાલ ફરિયાદીના ખિસ્સામાં મૂકી દેવા કહ્યું હતું. એ પછી બંને લોકો થોડી વારમાં ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાર બાદ ફરિયાદીએ પોતાના ખિસ્સામાં રાખેલો રૂમાલ તપાસ્યો ત્યારે એમાં દાગીના મળ્યા નહોતા. અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેમણે આ ઘટનાની ફરિયાદ વાશી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

વાશી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં આસપાસના વિસ્તારના સીસીટીવી કૅમેરાનું ફુટેજ તપાસીને આરોપીઓને શોધવામાં આવી રહ્યાં છે.’

kutch navi mumbai Crime News mumbai crime news mumbai police mumbai mumbai news mehul jethva