૧૭ એપ્રિલે નવી મુંબઈ ઍરપોર્ટનું ઉદ્ઘાટન થશે

30 December, 2024 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કમર્શિયલ ફ્લાઇટનું સફળ લૅન્ડિંગ : ત્યાર બાદ મે મહિનાથી પ્રવાસીઓ માટે એ ખુલ્લું મૂકવામાં આવશે

ગઈ કાલે ઇન્ડિગોનું પ્લેન નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થયા બાદ એને વૉટર કૅનનની સલામી આપવામાં આવી હતી. (તસવીર : નિમેશ દવે)

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA) પર ગઈ કાલે A320 કમર્શિયલ ઍરક્રાફ્ટનું સફળતાપૂર્વક લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઍરપોર્ટના નૉર્થ ગેટ સાઇડ પર ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટને રનવે પર ઉતારવામાં આવી હતી. આ સાથે NMIA પર વિમાનસેવાની શરૂઆત કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ ઍરપોર્ટ શરૂ થઈ ગયા બાદ મુંબઈના છ‌ત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર વધી રહેલો પ્રવાસીઓ અને કાર્ગોનો બોજ ઓછો થશે. NMIAનું આવતા વર્ષે ૧૭ એપ્રિલે ઉદ્ઘાટન થશે અને મે ‌મહિનાથી ઍર-ટ્રાફિક માટે એને ખુલ્લું મૂકવામાં આવશે.

અદાણી ઍરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અરુણ બંસલે કહ્યું હતું કે ‘NMIA માટે આજનો દિવસ મહત્ત્વનો છે. સફળતાપૂર્વક કમર્શિયલ ફ્લાઇટ લૅન્ડ થવાથી ઍરપોર્ટને શરૂ કરવા માટેનો રસ્તો સાફ થયો છે. ફ્લાઇટનું સફળ ઉતરાણ થવાથી અમે કહી શકીએ છીએ કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ઍરપોર્ટ પર કમર્શિયલ  ફ્લાઇટ શરૂ કરવાની નજીક છીએ. આ ઐતિહાસિક પળ માટે અમે તમામના આભારી છીએ.’

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઑક્ટોબર મહિનામાં NMIA પર ભારતીય વાયુસેનાના વિમાનને સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું હતું.

શા માટે NMIA મહત્ત્વનું છે?

મુંબઈના ઍરપોર્ટ પરનો બોજો ઓછો થવાની સાથે પ્રવાસીઓને ફાયદો થશે.

આર્થિક વિકાસમાં ઝડપ આવશે. સ્થાનિક સ્તરે ઉદ્યોગ, વેપાર અને રિયલ એસ્ટેટ અને રોજગારની તક ઊભી થશે.

મલ્ટિમૉડલ કનેક્ટિવિટી મળશે. મુંબઈ અને પુણે જેવાં મુખ્ય શહેરોની સારી કનેક્ટિવિટી મળશે.

નવી મુંબઈમાં મૂળભૂત સ્ટ્રક્ચરનો વિકાસ થવાથી મુંબઈમાં વધી રહેલી વસતિ પર નિયંત્રણ આવશે.

navi mumbai airport navi mumbai mumbai airport indigo airlines news chhatrapati shivaji international airport news mumbai mumbai news