27 September, 2024 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાં બાંધવામાં આવી રહેલા નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના રનવેનું કામ પૂરું થઈ ગયું છે એટલે પાંચમી ઑક્ટોબરે અહીં ભારતના ઍરફોર્સના પ્લેનને લૅન્ડ કરાવીને ટેસ્ટિંગ થવાની શક્યતા છે. નવી મુંબઈનું ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) દ્વારા બનાવવામાં આવી રહ્યું છે.
નવી મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટમાં પાંચમી ઑક્ટોબરે રનવેની ટેસ્ટ-રન કરવામાં આવશે. આ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવવાની શક્યતા છે. CIDCOના ચૅરમૅન અને વિધાનસભ્ય સંજય શિરસાટે મંગળવારે નવી મુંબઈના ઍરપોર્ટની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે કહ્યું હતું કે ‘શક્યતા છે કે પાંચમી ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નવા ઍરપોર્ટના રનવેનું ટેસ્ટિંગ કરવામાં આવશે. રનવેનું કામ પૂરું થવાની સાથે ઍરપોર્ટ ટર્મિનલનું કામ પણ અંતિમ તબક્કામાં છે એટલે આગામી માર્ચ મહિનાથી ડોમેસ્ટિક અને જૂન મહિનાથી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ શરૂ થઈ જશે. અહીં ચાર ટર્મિનલ અને બે પૅરૅલલ રનવે બાંધવામાં આવ્યા છે. અહીં સાત પ્લેન પાર્ક કરી શકાશે. નવી મુંબઈનું ઍરપોર્ટ શરૂ થઈ ગયા બાદ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરનો ભાર ઓછો થશે. ઍરપોર્ટને મેટ્રો ટ્રેન, કોસ્ટલ રોડ અને ભવિષ્યમાં શરૂ થનારી બુલેટ ટ્રેન સાથે કનેક્ટ કરવામાં આવશે.’
1160
ઉલ્લેખનીય છે કે નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું બાંધકામ CIDCO સાથેની પાર્ટનરશિપમાં અદાણી પોર્ટ દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મૉડલથી ૧૧૬૦ હેક્ટર જમીનમાં કરવામાં આવી રહ્યું છે.