12 November, 2024 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના ઉલવે વિસ્તારમાં રહેતી બાવન વર્ષની ગુજરાતી મહિલાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નામે ધમકાવી ૧.૮૪ કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નવી મુંબઈના સાઇબર પોલીસ-સ્ટેશનમાં રવિવારે સાંજે નોંધાઈ છે. અજાણ્યા યુવાને ફોન કરીને તમારા નંબરથી પૉર્નોગ્રાફી શૅર કરવામાં આવી છે એવો દાવો કર્યો હતો અને કેસ રફેદફે કરી દેવાના નામે પચીસમી ઑક્ટોબરથી આઠમી નવેમ્બર સુધી પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
મહિલાને એટલી હદ સુધી ડરાવવામાં આવી હતી કે તેણે પોતાના ઘરમાં પણ કોઈને એની જાણ કરી નહોતી એમ જણાવતાં નવી મુંબઈના સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનંદ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પચીસમી ઑક્ટોબરની બપોરે અજાણ્યા યુવાને ફોન કરી પોતાની ઓળખ ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટીમાંથી હોવાનું કહી ફરિયાદી મહિલાને કહ્યું હતું કે તમારા નંબરથી પૉર્નોગ્રાફી શૅર કરવામાં આવી છે એટલું જ નહીં, તમારા બૅન્ક-ખાતામાં આ પૉર્નોગ્રાફી વિડિયો શૅર કરવા માટે અમુક પૈસા પણ જમા કરવામાં આવ્યા છે. આ પૈસા મની લૉન્ડરિંગના હતા એમ કહી આગળ કહ્યું હતું કે આ બધાને કારણે તમારી સામે ED અને CBIએ જૉઇન્ટ કેસ નોંધ્યો છે. જ્યારે મહિલાએ આવું કશું જ કર્યું ન હોવાનો દાવો કર્યો ત્યારે CBIના લેટરહેડ પર અરેસ્ટ-પેપર મહિલાને મોકલવામાં આવ્યું હતું એ જોઈ મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ત્યાર બાદ કેસ રફેદફે કરવાના નામે આશરે ૧૫ દિવસમાં ધીરે-ધીરે કરી મહિલા પાસેથી ૧.૮૪ કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.’
મહિલાએ પોતાની તમામ સેવિંગ ઉપરાંત બૅન્કમાંથી લોન લઈ સાઇબર ગઠિયાને પૈસા આપી દીધા એમ જણાવતાં અન્ય એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા આ બધાથી ખૂબ જ ડરી જતાં તેણે પોતાની ૧.૩૦ કરોડ રૂપિયાની સેવિંગ ઉપરાંત બાકીના પૈસા બૅન્કમાંથી લોન લઈ આપ્યા હતા. મહિલાના પૈસા અલગ-અલગ બાવીસ અકાઉન્ટમાં ગયા છે જેમાંનાં ૧૭ બૅન્ક-ખાતાં અમે ફ્રીઝ કરી દીધાં છે. આગળ રિકવરી માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.’