30 December, 2024 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાં રહેતા અને ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં કરિયાણાનો વ્યવસાય કરતા ૫૧ વર્ષના વેપારીને શૅરમાર્કેટમાં રોકાણ પર ૨૦૦ ટકા રિટર્નની લાલચ આપીને સાઇબર ગઠિયાઓએ ૧.૬૫ કરોડ રૂપિયા તડફાવી લીધા હોવાની ફરિયાદ નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનમાં શનિવારે નોંધાઈ હતી. નવેમ્બરની શરૂઆતમાં વેપારી એક વૉટ્સઍપ ગ્રુપમાં જોડાયા હતા. એમાં સતત એક મહિના સુધી જાણકારી લઈને બીજીથી ૧૬ ડિસેમ્બર દરમ્યાન તેમણે ૧.૬૫ કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ માટે ટ્રાન્સફર કર્યા હતા. એની સામે ૩ કરોડ રૂપિયાનો નફો થયો હોવાની જાણકારી મળતાં પોતાની મૂળ રકમ અને પ્રૉફિટના પૈસા પાછા મેળવવા જતાં નફો ન મળતો હોવાથી પોતાની સાથે છેતરામણી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
વેપારીને શૅરનાં નામ ઇંગ્લિશમાં વાંચતાં ન આવડતું હોવાથી સાઇબર ગઠિયાઓએ તેમને થોડા દિવસ ઇંગ્લિશ પણ શીખવ્યું હતું એમ જણાવતાં નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનંદ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવેમ્બરની શરૂઆતમાં વેપારીએ સોશ્યલ મીડિયા પર શૅરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ વિશેનો એક વિડિયો જોયો હતો. એમાં ટૂંક સમયમાં કોઈ પણ રિસ્ક વગર ૨૦૦ ટકા રિટર્ન મળતું હોવાની માહિતી આપવામાં આવી હતી. એ વિડિયો પર ક્લિક કરતાં તેઓ એક વૉટ્સઍપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. એમાં શૅરમાં સતત રોકાણ કરીને મોટો પ્રૉફિટ થયો હોવાના સ્ક્રીન-શૉટ શૅર કરવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત શૅરની ટિપ્સ પણ આપવામાં આવતી હતી. આ ગ્રુપમાં મોટા ભાગની માહિતી ઇંગ્લિશમાં આવતી હતી. જોકે વેપારીને ઇંગ્લિશ ન આવડતું હોવાથી ગ્રુપ ઍડ્મિનને તેમને થોડા દિવસ ઇંગ્લિશ પણ શીખવ્યું હતું. ત્યાર બાદ ડિસેમ્બર મહિનામાં ફરિયાદી વેપારી ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર થયા હતા. એ માટે તેમને એક ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. એ ઍપ્લિકેશનમાં વિવિધ શૅરની માહિતી આપીને વેપારી પાસે બીજીથી ૧૬ ડિસેમ્બર દરમ્યાન ૧.૬૫ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરાવવામાં આવ્યા હતા. એની સામે આશરે ૩ કરોડ રૂપિયાનો નફો દેખાતાં વેપારીએ પોતાના પૈસા પાછા મેળવવાની કોશિશ કરી ત્યારે તેમને વધુ પૈસા ભરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. અંતે વેપારીએ પોતાના નજીકના લોકોને આ વિશે માહિતી આપતાં પોતાની સાથે સાઇબર છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી.’