ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડમાં ૧૩.૫૬ કરોડ રૂપિયા ગુમાવવા જેટલું ગાફેલ કોઈ કેવી રીતે રહી શકે?

14 August, 2024 07:43 AM IST  |  Mumbai | Mehul Jethva

સાઇબર ગઠિયાએ ૬૦ વર્ષના ડેવલપરને શૅરમાર્કેટમાં ટૂંક સમયમાં મોટું વળતર આપવાની લાલચ આપીને ૬ મહિના સુધી ૮૨ ટ્રાન્ઝૅક્શનમાં પૈસા પડાવી લીધા

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈના ખારઘરમાં રહેતા ૬૦ વર્ષના એક ડેવલપરે જાન્યુઆરીથી જુલાઈ સુધીના છ મહિનામાં શૅરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટ સાઇબર ફ્રૉડમાં ૧૩,૫૬,૮૭,૪૪૯ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ મંગળવારે નવી મુંબઈના સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. જાન્યુઆરીમાં સિનિયર સિટિઝનને શૅરમાર્કેટ વિશે શીખવા માટેનો મરાઠીમાં મેસેજ આવ્યો હતો. એ પછી સિનિયર સિટિઝને એની વધુ માહિતી લેતાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ટૂંક સમયમાં મોટું વળતર આપવાના વાયદાઓ પણ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ છ મહિના દરમ્યાન ૮૨ ટ્રાન્ઝૅક્શનમાં સાઇબર ગઠિયાઓને સામેથી પૈસા મોકલ્યા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

સાઇબર ગઠિયા સાથે સતત છ મહિના સુધી વાત કરીને શૅરમાર્કેટ ફ્રૉડમાં ૧૩.૫૬ કરોડ રૂપિયા કરતાં વધારેની રકમ એકસાથે ગુમાવી દેવાની આ ફરિયાદ અમારી પાસે આવી ત્યારે અમે પણ ચોંકી ઊઠ્યા હતા એમ જણાવતાં નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનન કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ફરિયાદીને વૉટ્સઍપ પર ઇલાના શર્મા નામની મહિલાએ શૅરબજાર સંબંધિત કોઈ માહિતીની જરૂર હોય તો અમે તમને આપીશું અને એના દ્વારા તમે સારો નફો મેળવી શકશો એવો મેસેજ કર્યો હતો. એના પર વિશ્વાસ કરીને ફરિયાદી ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર થતાં ઇલાનાએ eggeltd.com નામની લિન્ક મોકલી હતી. એ લિન્ક પર ક્લિક કરતાં એક કંપનીના નામનું વેબ-પેજ ખૂલ્યું હતું. ત્યાર બાદ ઇલાનાએ વૉટ્સઍપ પર આ વેબ-પેજનો ઉપયોગ કેવી રીતે કરવો એની માહિતી આપી હતી. ફરિયાદી શૅર ખરીદવા વેબસાઇટના પેજ પર ગયા ત્યારે વેબસાઇટ પર આપેલા બૅન્ક-અકાઉન્ટમાં પહેલાં પૈસા મોકલવાની વિનંતી કરવામાં આવી હતી. એની સાથે વધુ માહિતી આપવામાં આવી હતી કે બૅન્ક-અકાઉન્ટમાં પૈસા મોકલ્યા બાદ એનો સ્ક્રીનશૉટ વૉટ્સઍપ પર શૅર કરવાનો રહેશે, ત્યાર બાદ એ લિન્કના ટ્રેડિંગ અકાઉન્ટમાં મોકલેલા પૈસા જમા થયેલા દેખાશે. એ પછી ઇલાનાએ પણ સમયાંતરે વૉટ્સઍપ પર શૅરની ખરીદી અને વેચાણ વિશે માહિતી આપી હતી. આ તમામ પર વિશ્વાસ બેસી જતાં ફરિયાદીએ જાન્યુઆરી મહિનાના અંતમાં શરૂઆતમાં ૫,૦૦,૦૦૦ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. એની સામે મોટો પ્રૉફિટ ટ્રેડિંગ અકાઉન્ટમાં જોઈને ફરિયાદીએ ધીરે-ધીરે આશરે ૮૨ ટ્રાન્ઝૅક્શનમાં ૧૩,૫૬,૮૭,૪૪૯ રૂપિયા મોકલી દીધા હતા. જુલાઈ મહિનાના અંતમાં પોતાના ટ્રેડિંગ અકાઉન્ટમાં ૨૦થી ૨૫ કરોડ રૂપિયા કરતાં વધારે નફો દેખાયો ત્યારે ફરિયાદીએ પૈસા ઉપાડવાની કોશિશ કરી હતી. ત્યારે સાઇબર ગઠિયાએ રોકાણના પૈસા અને એના પરના નફાના પૈસા ઉપાડવા પહેલાં વિવિધ ટૅક્સ ચૂકવવો પડશે એમ કહ્યું હતું. ત્યારે ફરિયાદીને શંકા જવાથી તેણે પોતાની નજીકના લોકો સાથે આ વિશે ચર્ચા કરી ત્યારે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થ‍વાથી આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’

cyber crime Crime News mumbai crime news mumbai police navi mumbai kharghar mumbai mumbai news mehul jethva