15 December, 2024 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગેરકાયદે રહેતા ૧૬ આફ્રિકન નાગરિકોની ધરપકડ કરી
નવી મુંબઈ પોલીસ, ઍન્ટિ નાર્કોટિક્સ સેલ (ANC), ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW) અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુરુવારે રાતે એકસાથે પચીસ જગ્યાએ જૉઇન્ટ ઑપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદે રહેતા ૧૬ આફ્રિકન નાગરિકોની ધરપકડ કરીને તેમની પાસેથી ૧૨ કરોડ રૂપિયાનું કોકેન અને એમડી પાઉડર સહિતના નશીલા પદાર્થ મળી આવ્યા હતા. પોલીસની વ્યાપક કાર્યવાહીમાં ૭૩ આફ્રિકન નાગરિકના વીઝા પૂરા થઈ ગયા હોવા છતાં તેઓ નવી મુંબઈમાં રહેતા હોવાનું જણાતાં તેમને તાત્કાલિક ભારત છોડી જવાની નોટિસ આપવામાં આવી હતી.
નવી મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ નવી મુંબઈમાં ગેરકાયદે રહેતા આફ્રિકન નાગરિકો નશીલા પદાર્થની હેરાફેરી કરતા હોવાની બાતમી મળી હતી. આથી ગુરુવારે રાતે જૉઇન્ટ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પચીસ જગ્યાએ સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦.૨૨ કરોડ રૂપિયાની કિંમતનું ૨.૪૫ કિલોગ્રામ કોકેન, ૧.૪૮ કરોડ રૂપિયાની કિંમતનો ૬૩૩ ગ્રામ મેફેડ્રોન (એમડી) પાઉડર, ૧૧.૬૦ લાખ રૂપિયાની કિંમતનો ૫૮ ગ્રામ મેથીલીન, ૩.૪૫ લાખ રૂપિયાની કિંમતનું ચરસ અને ૬ હજાર રૂપિયાનો ૩૧ ગ્રામ ગાંજો મળી આવ્યાં હતાં.