નવી મુંબઈના વેપારીએ ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ ફ્રૉડમાં ૬૦ લાખ રૂપિયા ગુમાવ્યા

31 January, 2024 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈ સાઇબર સેલના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગજાનન કદમે જણાવ્યું હતું કે ‘આરોપીએ ગયા મહિને ફરિયાદીનો સંપર્ક કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ઃ નવી મુંબઈના ૫૯ વર્ષના એક વેપારી સાથે આકર્ષક વળતર માટે ફૉરેક્સ અને ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચ આપીને ૬૦.૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું. આ મામલે પોલીસે પાંચ શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

નવી મુંબઈ સાઇબર સેલના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગજાનન કદમે જણાવ્યું હતું કે ‘આરોપીએ ગયા મહિને ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદી કલંબોલી એરિયાનો રહેવાસી છે અને લૉજિસ્ટિક્સનો બિઝનેસ ચલાવે છે. તેને ઉચ્ચ વળતરનું વચન આપીને ફૉરેક્સ અને ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. ત્યાર બાદ ફરિયાદીએ આરોપીએ આપેલી વિવિધ લિન્ક દ્વારા ૬૪,૭૦,૦૨૪ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેવી ફરિયાદીએ પોતાના રોકાણ પર વળતરની માગ કરી એટલે આરોપીએ શરૂઆતમાં ઉદ્ધત જવાબો આપ્યા હતા. 
સતત ફૉલો-અપ પછી આરોપીએ તેને માત્ર ૪,૪૬,૮૭૮ રૂપિયા પરત કર્યા હતા અને બાદમાં જવાબદારીમાંથી છટકી ગયો હતો. વિક્ટિમની ફરિયાદના આધારે સાઇબર સેલ પોલીસે સોમવારે ભારતીય દંડસંહિતાની કલમ ૪૧૯ (વ્યક્તિ દ્વારા છેતરપિંડી) અને ૪૨૦ (છેતરપિંડી) હેઠળ પાંચ વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.’ 

mumbai news maharashtra news navi mumbai mumbai police