નવી મુંબઈના ઍરપોર્ટને આખરે ડી. બી. પાટીલનું નામ આપવાનો નિર્ણય

08 October, 2024 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડી. બી. પાટીલ તરીકે ઓળખાતા સ્થાનિક નેતાની સાથે સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેનારા દિનકર પાટીલનું નવી મુંબઈમાં સારું નામ છે

ડી. બી. પાટીલ

નવી મુંબઈમાં બની રહેલા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને સદ્ગત ડી. બી. પાટીલનું નામ આપવા બાબતે લાંબા સમયથી વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ દ્વારા માગણી કરવામાં આવી રહી હતી. દિલ્હીમાં ગઈ કાલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન રામ મોહન નાયડુ અને રાજ્ય કક્ષાના પ્રધાન મુરલીધર મોહોળની અધ્યક્ષતામાં નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને નામ આપવા બાબતે તમામ પક્ષીય સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નવા ઍરપોર્ટને નવી મુંબઈના સ્થાનિક નેતા, વકીલ અને સામાજિક કાર્યકર ડી. બી. પાટીલનું નામ આપવા બાબતની માગણી વિશે ચર્ચા કરવામાં આવી હતી. મોટા ભાગના લોકો ઍરપોર્ટને ડી. બી. પાટીલ નામ આપવા સંમત થયા હતા. આ બેઠકમાં મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન રવીન્દ્ર ચવાણ, ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય ધૈર્યશીલ પાટીલ, સંજીવ નાઈક, પ્રશાંત ઠાકુર અને ડી. બી. પાટીલના પુત્ર અતુલ પાટીલ વગેરે હાજર રહ્યા હતા. રામ મોહન નાયડુએ આશ્વાસન આપ્યું હતું કે ‘નવી મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને નામ આપવા માટે ડી. બી. પાટીલ સિવાય કોઈ પ્રસ્તાવ જ નથી એટલે ઍરપોર્ટને તેમનું જ નામ આપવામાં આવશે. આ સંબંધે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.’

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની દશેરા બાદ ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે એટલે નવી મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને ડી. બી. પાટીલ નામ આપવાનો નિર્ણય તાત્કાલિક લેવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ડી. બી. પાટીલ તરીકે ઓળખાતા સ્થાનિક નેતાની સાથે સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેનારા દિનકર પાટીલનું નવી મુંબઈમાં સારું નામ છે એટલે નવી મુંબઈના ઍરપોર્ટને બીજા કોઈ રાજકારણીને બદલે ડી. બી. પાટીલનું જ નામ આપવાની માગણી કરવામાં આવી હતી.

navi mumbai airport navi mumbai mumbai mumbai news