નેવલ ઑફિસરને કારમાં હાર્ટ-અટૅક આવ્યો, ટ્રાફિક-પોલીસના કૉન્સ્ટેબલે તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડીને જીવ બચાવી લીધો

16 May, 2024 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેવલ ઑફિસર પ્રશાંત રૉય તેમના ત્રણ કલીગ સાથે વરલી જઈ રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ-અટૅક આવ્યો હતો.

પ્રશાંત રૉય

પવઈથી કારમાં વરલી જઈ રહેલા નેવલ ઑફિસરની કાર સાંતાક્રુઝના વાકોલા બ્રિજ પર હતી ત્યારે તેમને કારમાં જ હાર્ટ-અટૅક આવ્યો હતો. એ વખતે ભરચક ​ટ્રાફિકને રોકી કાર માટે રસ્તો કરીને તેમને સમયસર હૉસ્પિટલમાં પહોંચાડવામાં એક ટ્રાફિક-કૉન્સ્ટેબલે મદદ કરતાં ઑફિસર બચી ગયા હતા. નેવલ ઑફિસર પ્રશાંત રૉય તેમના ત્રણ કલીગ સાથે વરલી જઈ રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ-અટૅક આવ્યો હતો. તેમની કાર એ વખતે વાકોલા બ્રિજ પર હતી અને ત્યાં સખત ટ્રાફિક હતો. તેમના કલીગે આ બાબતે ટ્રાફિક-પોલીસને જાણ કરતાં વાકોલા ટ્રાફિક-પોલીસ સાથે સંકળાયેલો ટ્રાફિક-કૉન્સ્ટેબલ શ્રીકાંત નવલે તરત જ પોતાની બાઇક પર નીકળ્યો હતો. તે‌ણે બ્રિજ પરનો ટ્રાફિક રોક્યો હતો એટલું જ નહીં, એ પછી કાર માટે રસ્તો બનાવતાં પોતાની બાઇક કારની આગળ ચલાવીને ટ્રાફિક ક્લિયર કરતો ગયો હતો અને પ્રશાંત રૉયને ગણતરીની મિનિટોમાં વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા એટલે સમયસર સારવાર મળી શકી હતી અને તેઓ બચી ગયા હતા. 

mumbai news indian navy mumbai traffic police