27 September, 2024 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશભરના મુખ્ય વેપારી નેતાઓનું એક સંમેલન ૨૮ અને ૨૯ સપ્ટેમ્બરે દિલ્હીની અશોક હોટેલમાં યોજાવાનું છે. એમાં કઈ રીતે વેપાર વધારવો, વેપારમાં કઈ રીતે નવી ટેક્નૉલૉજીનો સમાવેશ કરવો અને વેપાર કરવામાં આવતી સમસ્યાઓનો કઈ રીતે ઉકેલ લાવવો એના પર ચર્ચા કરવામાં આવશે એમ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય સચિવ શંકર ઠક્કરે જણાવ્યું હતું.
આ સંમેલન વેપારજગત અને CAIT બન્નેના સ્વરૂપને બદલી નાખવાની તૈયારીના સંદર્ભમાં યોજવામાં આવ્યું છે એમ જણાવતાં CAITના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે અમારી પાસે વેપારીઓ અને CAITને મજબૂત કરવાની ભવિષ્યની મોટી યોજનાઓ છે.
શંકર ઠક્કરે વધુમાં કહ્યું હતું કે ‘દરેક વિષય પર ચર્ચા કરવા રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત અને વિશિષ્ટ વક્તાઓની પૅનલ બનાવવામાં આવી છે. આ સંમેલનને માર્ગદર્શન આપવા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને CAITનાં ઍડ્વાઇઝર સ્મૃતિ ઈરાની આવવાનાં છે. આ સંમેલનમાં ભાગ લેવા મહારાષ્ટ્રના ૫૦ કરતાં વધુ વેપારી પ્રતિનિધિઓ હાજર રહેશે.’