23 March, 2025 11:41 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાશિકમાં શુક્રવારે ચોંકાવનારી ઘટના બની હતી. બાવીસ વર્ષના યુવાને બીજા યુવાનને ચીડવતાં અને ટપલાં મારતાં તેણે તે યુવાન પર પેટ્રોલ છાંટીને તેને દીવાસળી ચાંપી દીધી હતી. એને કારણે તે યુવાન ગંભીર દાઝી ગયો છે. પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરીને તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. નાશિકના ઠક્કર બજારમાં આ ઘટના બની હતી. આ કેસમાં પીડિત વિજય ગેહલોટ આરોપી શુભમ જગતાપને ચીડવતો રહેતો હતો અને તેને આવતાં-જતાં ટપલાં મારતો રહેતો હતો. તેના આ કાયમના ત્રાસથી કંટાળેલા શુભમ જગતાપે શનિવારે તેના પર પેટ્રોલ છાંટીને તેને દીવાસળી ચાંપી દીધી હતી. દાઝી ગયેલા વિજય ગેહલોટને ત્યાર બાદ સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યારે આરોપી શુભમ જગતાપની ધરપકડ કરીને તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.