શૅરબજારમાં ભારે નુકસાન કરનારા નાશિકના યુવકે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી

01 March, 2025 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક કલાક સુધી કોઈ ઍમ્બ્યુલન્સ પહોંચી ન હોવાથી છેવટે ગામવાળાઓ તેને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

પ્રતીકાત્મક તસવીર

નાશિકમાં પ્રાઇવેટ બૅન્કમાં કામ કરતા ૨૮ વર્ષના એક યુવકે શૅરબજારમાં ૧૬ લાખ રૂપિયાનું નુકસાન જતાં પોતાને પેટ્રોલથી સળગાવી દઈને આત્મહત્યા કરી લીધી હતી.

નાશિકમાં એક પ્રાઇવેટ બૅન્કમાં કામ કરતો રાજેન્દ્ર કોલ્હે મહાશિવરાત્રિના દિવસે યંબકેશ્વરથી પાછો આવી રહ્યો હતો ત્યારે પિંપળગાવ પાસે બાઇક ઊભી રાખીને તેણે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. એ જોઈને સ્થાનિક લોકોએ પોલીસને ફોન કર્યો હતો. જોકે પોલીસ કે ઍમ્બ્યુલન્સ પહોંચે એ પહેલાં જ રાજેન્દ્ર કોલ્હે ૯૦ ટકા જેટલો દાઝી ગયો હતો. એક કલાક સુધી કોઈ ઍમ્બ્યુલન્સ પહોંચી ન હોવાથી છેવટે ગામવાળાઓ તેને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

પોલીસે જણાવ્યું હતું કે ‘રાજેન્દ્ર શરૂઆતમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં કામ કરતો હતો ત્યારે તેણે શૅરબજારમાં રોકાણ કર્યું હતું. જોકે ભારે નુકસાન જવાને લીધે તેણે આ કંપની છોડીને એક પ્રાઇવેટ બૅન્કમાં નોકરી કરી હતી. છતાં તેનું દેવું વધતું જ જતું હતું એને લીધે તે ભારે ટેન્શનમાં રહેતો હતો.’

nashik share market stock market suicide mental health finance news news mumbai mumbai news