દસમા ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં પણ હું હાજરી આપીશ (મતલબ કે પાંચ વર્ષ પછી ફરીથી હું જ વડા પ્રધાન બનીશ)

31 August, 2024 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતની ઇકો ફિનટેક સિસ્ટમને કારણે આખા વિશ્વનું જીવનસ્તર સુધરશે અને હજી આપણું બેસ્ટ તો આવવાનું બાકી છે.

ગઈ કાલે જિયો કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટને સંબોધન કરતા નરેન્દ્ર મોદી.

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જિયો કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલા પાંચમા ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે એ વખતે કહ્યું હતું કે ફિનટેકના વિકાસ સાથે બૅન્કિંગ પણ વધારે મજબૂત થયું છે. તેમણે વડા પ્રધાન જન ધન યોજનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ‘આ યોજનાનો હેતુ જ એ હતો કે વધુ ને વધુ ભારતીયોને બૅન્કિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવે. આ સ્કીમને કારણે દેશની ૧૦ કરોડ ગ્રામીણ મહિલાઓ જે સેલ્ફ-હેલ્પ ગ્રુપની મેમ્બર છે તે બધી જ બૅન્કિંગ સાથે જોડાઈ ગઈ છે અને તેઓ પણ હવે વિકાસનાં ફળ ચાખી રહી છે. આમ આ સ્કીમ મહિલા સશક્તીકરણને બઢાવો આપી રહી છે.’

નરેન્દ્ર મોદીએ આમંત્રિતોને સંબોધતાં એમ પણ કહ્યું હતું કે ‘આ પાંચમો ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ છે. તમારા દસમા ફેસ્ટિવલમાં પણ હું જ આવીશ.’ આમ તેમણે પાંચ વર્ષ પછી પણ તેઓ જ વડા પ્રધાન હશે એમ સાનમાં સમજાવી દીધું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘સંસદમાં એવા સવાલો કરતા હતા કે દેશના ગ્રામીણ વિસ્તારોનાં ગામોમાં બૅન્કો નથી, પૂરતી બ્રાન્ચ નથી, ઇન્ટરનેટ નથી; કઈ રીતે તમે ફિનટેક રેવલ્યુશન લાવશો? જોકે છેલ્લાં ૧૦ વર્ષમાં બ્રૉડબૅન્ડ યુઝર્સ ૬૦ મિલ્યનથી વધીને ૯૪૦ મિલ્યન પર પહોંચી ગયા છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એ ફિનટેક સક્સેસનું સૌથી મોટું ઉદાહરણ છે. ફિનટેકમાં જે ટ્રાન્સફૉર્મેશન થયું એ માત્ર ટેક્નૉલૉજીમાં જ થયું છે એવું નથી. એની સોશ્યલ ઇમ્પૅક્ટ છેવાડાના લોકો સુધી પહોંચી રહી છે. ફિનટેકને કારણે અત્યાર સુધી જે નાના લોકો બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સર્વિસના લાભોથી વંચિત હતા એ બધા એનાથી જોડાઈ રહ્યા છે. ભારતની ઇકો ફિનટેક સિસ્ટમને કારણે આખા વિશ્વનું જીવનસ્તર સુધરશે અને હજી આપણું બેસ્ટ તો આવવાનું બાકી છે.’

mumbai news mumbai narendra modi bandra kurla complex political news