28 April, 2024 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
કોલ્હાપુરમાં તપોવન મેદાનમાં ગઈ કાલે મહાયુતિના હાતકળંગલેના ઉમેદવાર ધૈર્યશીલ માને અને કોલ્હાપુરના ઉમેદવાર સંજય મંડલિકના પ્રચાર માટેની સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસની ટીકા કરવાની સાથે અત્યારની કેન્દ્ર સરકારના વિકાસના કામનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને તેમના ભાષણમાં કહ્યું હતું કે ‘જગાત ભારી કોલ્હાપુરી. કોલ્હાપુરમાં ફુટબૉલની રમત બહુ ફેમસ હોવાનું મને કોઈકે કહ્યું. આથી ફુટબૉલની ભાષામાં કહું છું કે ચૂંટણીના પહેલા બે તબક્કામાં NDA અને ભારતીય જનતા પાર્ટી (BJP) ૨-૦થી આગળ છે, જ્યારે કૉન્ગ્રેસ અને ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ (INDIA) ગઠબંધન ઝીરો પર છે. બે ગોલ થઈ ગયા બાદ કોલ્હાપુરકરો પાસે ત્રીજા ગોલની જવાબદારી છે. તમે એવો ગોલ કરશો કે INDIA ગઠબંધન બધી બાજુએથી ચીત થઈ જશે. બીજી બાજુ INDIA ગઠબંધન પહેલા બે તબક્કામાં જ ભ્રમિત થઈ ગયું છે એટલે હવે તેઓ ધ્રુવીકરણની ભાષા બોલી રહ્યા છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં કૉન્ગ્રેસ પર પ્રહાર કરતાં આગળ કહ્યું હતું કે ‘જો દેશમાં કૉન્ગ્રેસની આગેવાનીની સરકાર આવશે તો તેઓ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ ફરી લાગુ કરવાનો વિચાર કરી રહ્યા છે. આવી જ રીતે CAA કાયદો પણ રદ કરવામાં આવશે. મારે તેમને કહેવું છે કે જેમના ત્રણ આંકડામાં સંસદસભ્યો ચૂંટાવાના વાંધા છે તે સરકાર બનાવી શકે? INDIA ગઠબંધનના નેતાઓ હવે દેશ પર ગુસ્સો કરી રહ્યા છે. કર્ણાટક અને તામિલનાડુમાં તેમના નેતા દક્ષિણ ભારતનું વિભાજન કરવાની ભાષા બોલી રહ્યા છે. આ શક્ય છે? છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં ‘અહદ પેશાવર, તહદ તંજાવર, હિન્દવી સ્વરાજ્ય’ એવી ઘોષણા જે ધરતીમાંથી થઈ હતી એ માટી INDIA ગઠબંધનના ઇરાદા પૂરા કરવા દેશે? આથી વિભાજન કરવાની ભાષા બોલનારાઓને તમે રોકડો જવાબ આપજો.’
ઉલ્લેખનીય છે કે કોલ્હાપુરની બેઠક પર મહાયુતિના ઉમેદવાર સામે BJPમાં જ અસંતોષ હોવાનું કહેવાય છે એટલે અહીંના સ્થાનિક નેતાઓને ઠંડા પાડવા માટે રાતોરાત વડા પ્રધાનની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાની તૈયારી કરવા માટે ખુદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બે દિવસથી કોલ્હાપુરમાં ધામા નાખ્યા હતા.