10 November, 2024 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાયર-એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
કસારા પાસે ગઈ કાલે એક મોટી ટ્રેન-દુર્ઘટના થતી રહી ગઈ હતી. ટ્રૅકની બાજુમાં કોઈએ ઘાસ સળગાવી દીધું હતું. જોકે ટ્રેનને આગ લાગી નહોતી અને બધા પૅસેન્જરો સેફ રહ્યા હતા. તરત જ આગ બુઝાવી નખાઈ હતી; પણ એ આગ લગાડી કોણે અને શા માટે લગાડી, તેનો ઇરાદો શું હતો એ બાબતે હવે તપાસ હાથ ધરાઈ છે.
આગની આ ઘટના બાબતે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નંદીગ્રામ એક્સપ્રેસ ગઈ કાલે સાંજે નાંદેડ જઈ રહી હતી ત્યારે આ ઘટના કસારા સ્ટેશનથી સહેજ દૂર બની હતી. જોકે આ ઘટનામાં ટ્રેનમાં, એના કોચમાં કે એન્જિનમાં એમ કોઈ પણ જગ્યાએ આગ લાગી નહોતી અને બધા પૅસેન્જરો સેફ હતા. બન્યું એવું હતું કે ટ્રૅકની બાજુના ઘાસમાં કોઈએ આગ લગાડી હતી. ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા પૅસેન્જરના ધ્યાનમાં આ બાબત આવતાં તેણે ચેઇનપુલિંગ કર્યું હતું અને ટ્રેન ઊભી રહી ગઈ હતી. એ પછી અમારા ટ્રેનના જ સ્ટાફે ફાયર-એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ટ્રેન સાંજે ૬.૫૦ વાગ્યે ઊભી રહી ગઈ હતી અને આગ ઓલવ્યા બાદ ૭.૧૦ વાગ્યે ત્યાંથી નીકળી પણ ગઈ હતી. કોઈ પણ પૅસેન્જરને કે કોઈને આ ઘટનામાં ઈજા થઈ નથી.’
જોકે ચેઇનપુલિંગ થયા બાદ ટ્રેન ઊભી રહી જતાં એ જ સ્પૉટ પર જ્યાં આગ લાગી હતી એની ઉપરના કોચમાં પ્રવાસ કરતા કેટલાક યુવાનોએ ઇમર્જન્સી એસ્કેપની બારીમાંથી ટ્રેનમાંથી બહાર કૂદકા માર્યા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.