10 July, 2024 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ ક્રિકેટ અસોસિએશનના અધ્યક્ષ અમોલ કાળેનું અવસાન થવાથી તેમની ખાલી પડેલી પોસ્ટ માટે ૨૩ જુલાઈએ ચૂંટણી થવાની છે. ગઈ કાલે મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ મુંબઈ ક્રિકેટ અસોસિએશનની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાંથી બાયલૉઝની કૉપી લીધી હતી અને અધ્યક્ષની ચૂંટણી માટેનું ફૉર્મ પણ લીધું હતું. એથી તેઓ અધ્યક્ષની ચૂંટણીમાં ઝંપલાવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલમાં જ નાના પટોલે માઝગાવ ક્રિકેટ ક્લબના રિપ્રેઝન્ટેટિવ નિમાયા છે.
નાના પટોલેએ આ સંદર્ભે ૬૦થી ૭૦ અલગ-અલગ ક્લબના રિપ્રેઝન્ટેટિવ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના અધ્યક્ષની ચૂંટણીની પ્રોસેસ શું હોય છે, કઈ રીતે થાય છે એની જાણકારી મેળવી હતી. નાના પટોલે સાથે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી શાહ આલમ અને સભ્યો શેખર શેટ્ટી અને ભૂષણ પાટીલ પણ હતા. શક્ય છે કે તેઓ જ નાના પટોલેના નામનો પ્રસ્તાવ મૂકે અને એને સમર્થન પણ આપે. આજે ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ છે.