લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીની ઉપસ્થિતિ વિનમ્રતા ક્ષમાપનાને પૂર્ણ કરે છે - નમ્રમુનિ

24 September, 2024 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત જૈન મહામંડળ આયોજિત, જૈન સમાજના ચારે ફિરકાઓનાં સંત-સતીજીઓએ એક મંચ પર એકત્રિત થઈને જૈન એકતાનો પરિચય આપી ક્ષમાપનાનો સંદેશ પ્રસરાવ્યો

જૈન મહામંડળ દ્વારા આયોજિત સામૂહિક ક્ષમાપના

છેલ્લાં ૧૨૫ વર્ષથી જૈન ધર્મનું નેતૃત્વ કરીને શાસન સેવા કરતા ભારત જૈન મહામંડળ દ્વારા આયોજિત સામૂહિક ક્ષમાપના - વિશ્વ મૈત્રી દિવસ અને જૈન સમાજ રત્ન અલંકરણ સમારોહ અંતર્ગત જૈન સમાજના સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર તેમ જ તેરાપંથ - ચારે ફિરકાઓનાં સંત-સતીજીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે ઉપસ્થિત સર્વને વિનમ્રતાના ગુણને પ્રગટાવવાની પાવન પ્રેરણા આપી હતી.

સમૂહ ક્ષમાપનાના અવસરે આચાર્ય શ્રી પૂજ્ય વિજયપ્રભાકરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય શ્રી પૂજ્ય મતિચંદ્રસાગરસૂરિજી મ.સા., રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા., સાધ્વીજી પૂજ્ય મંગલપ્રજ્ઞાજી, મુનિશ્રી પૂજ્ય પ્રણુતસાગરજી મ.સા., મુનિશ્રી પૂજ્ય જયન્દ્રસાગરજી મ.સા.ના પાવન સાંનિધ્ય સાથે મુખ્ય અતિથિરૂપે - શ્રી ઓમ પ્રકાશજી બિરલા - અધ્યક્ષ લોકસભા (દિલ્હી), રાજ્યસભાના સાંસદ શ્રી મિલિંદજી દેવરા, શ્રી મંગલપ્રભાતજી લોઢા, જૈન સમાજ રત્ન ઉપાધિથી સન્માનિત થયેલ વિભૂતિઓ – શ્રી કિશનલાલજી દુગડ (નેપાલ), શ્રી રમનલાલજી લુંકડ (પુણે), શ્રી સુશીલાજી બોહરા (રાજસ્થાન), શ્રી પ્રશાંતજી જૈન (મુંબઈ), શ્રી રમેશચંદ્રજી મુથા (ચેન્નઈ) તથા આવા અનેક મહાનુભવોની ઉપસ્થિતિ સાથે પ્રત્યક્ષ તેમ જ લાઇવના માધ્યમે હજારો ભાવિકો આ ક્ષમાપનાના અવસરે જોડાયા હતા.

આચાર્ય શ્રી પૂજ્ય વિજયપ્રભાકરસૂરીશ્વરજી મ.સા.એ ક્ષમાપના ગુણની મહત્તા દર્શાવતાં ફરમાવ્યું હતું કે જેની પાસે ક્ષમા હોય તેમની સામે દુર્જન પણ કાંઈ કરી શકે નહીં. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે શ્રી ઓમ બિરલાજીના નમ્રતાગુણની અનુમોદના કરતાં ફરમાવ્યું કે જેમનો સમય સ્વાર્થ માટે નહીં પણ સેવામાં વીતે છે એ માનવ નહીં, પણ મહામાનવ હોય છે. સાથે પરમ ગુરુદેવે કહ્યું કે વિનમ્રતા વગર ક્ષમાપના અધૂરી હોય છે, વિનમ્રતા જ ક્ષમાપનાને પૂર્ણ કરે છે. મિચ્છા મિ દુક્કડં મેમરી અટૅકથી બચવાની મેડિસિન છે. શ્રી સી. સી. ડાંગીજીના દર વર્ષના આવા પ્રયાસની અનુમોદન કરતાં કહ્યું કે બધાને સાથે લઈને ચાલવું સરળ નથી, પણ જેની અંદર વિનમ્રતા હોય તેને માટે આ કઠિન પણ નથી હોતું.

આ અવસરે મુનિશ્રી પૂજ્ય પ્રણુતસાગરજી મ.સા.એ ફરમાવતાં કહ્યું કે પરંપરા આપણને ભાગ્યથી મળે છે, પણ જૈન આપણે પુરુષાર્થથી બનીએ છે. જે દુશ્મનને પરાસ્ત કરી દે તેને વીર કહેવાય, પણ જે દુશ્મનીને પરાસ્ત કરી દે તેને ભગવાન મહાવીર કહેવાય છે.

એ સાથે જ અધ્યક્ષ લોકસભા (દિલ્હી)ના માનનીય શ્રી ઓમ પ્રકાશજી બિરલાએ પ્રભુ મહાવીરના બોધને પોતાના જીવનમાં સ્વીકારવાના સંદેશ સાથે જૈન ધર્મ અને પ્રભુ મહાવીર પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો હતો. વિશેષમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રી હસ્તે એક સુંદર નવકાર મહામંત્રની ફ્રેમ સ્મૃતિચિહ્‍નરૂપે શ્રી ઓમ પ્રકાશજી બિરલાજીને અર્પણ કરવામાં આવી હતી. 

mumbai news mumbai jain community kutchi community om birla festivals religious places