ઘાટકોપર સ્ટેશને AC ટ્રેનમાં ચડનાર નગ્ન માણસે GRP અને RPFને દોડતી કરી દીધી

21 December, 2024 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

TCની ફરિયાદના આધારે ગુનો નોંધી તેને શોધવા માટે ટીમ બનાવવામાં આવી

એસી લોકલ ટ્રેનના લેડીઝ ડબ્બામાં એક નગ્ન વ્યક્તિ ચડી ગયો હતો

સેન્ટ્રલ રેલવેમાં ઘાટકોપર સ્ટેશને સોમવારે સાંજે ૪ વાગ્યે AC લોકલ ટ્રેનના લેડીઝ ડબ્બામાં એક નગ્ન વ્યક્તિ ચડી જતાં ખળભળાટ મચી ગયો હતો. એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર મોટા પ્રમાણમાં વાઇરલ થયો હતો. એ ઉપરાંત મહિલાઓની સુરક્ષા સામે પણ પ્રશ્ન ઊભા થયા છે. આ મામલે બુધવારે કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ટિકિટ-ચેકર (TC) ગણેશ મિસાળની ફરિયાદ બાદ ગુનો નોંધીને ટ્રેનમાં ચડનાર એ માણસની શોધખોળ હાથ ધરી છે અને એને માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની મદદ પણ લેવામાં આવી રહી છે.

કલ્યાણથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સુધીનાં તમામ સ્ટેશનોનાં ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે એમ જણાવતાં કુર્લા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નગ્ન માણસને શોધવા માટે અમારી એક ટીમ કામ કરી રહી છે. એ ઉપરાંત RPFની મદદ લેવામાં આવી રહી છે. સોમવારે TCએ તેને ઘાટકોપરના ત્રણ નંબરના પ્લૅટફૉર્મ પર AC ટ્રેનમાંથી ઉતારી બે નંબરના પ્લૅટફૉર્મ પરના બાંકડા પર બેસાડ્યો હતો. ત્યાર બાદ હોમગાર્ડે તેના હાથમાં રહેલી બર્મુડા પહેરાવીને પાણી પીવડાવ્યું અને વડાપાંઉ ખવડાવ્યું હતું. જોકે થોડી વારમાં જ તે હોમગાર્ડની નજર ચૂકવીને CSMT જતી સ્લો ટ્રેનમાં ચડી ગયો હતો. ત્યાર બાદ માટુંગા સ્ટેશને ઊતરી થોડી વાર બે નંબરના પ્લૅટફૉર્મ પર બેઠો હતો અને ત્યાંથી પરેલ લોકલ ટ્રેનમાં ચડ્યો હતો એ તમામ માહિતી CCTV ફુટેજ તપાસતાં જાણવા મળી છે. જોકે તે પરેલ સ્ટેશને ઊતર્યો નહોતો. પરેલની ટ્રેન જે પાછી કલ્યાણ ગઈ હતી એટલે હાલમાં અમારી ટીમ પરેલથી કલ્યાણ સુધીનાં તમામ સ્ટેશનોનાં CCTV ફુટેજ તપાસી રહી છે. આ માણસ સાચે જ માનસિક રીતે અક્ષમ હતો કે તે જાણીજોઈને આવું કરતો હતો એ જાણવું જરૂરી છે. હાલમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.’

ghatkopar railway protection force central railway mumbai railways mumbai local train mumbai trains news mumbai mumbai news