10 October, 2022 10:26 AM IST | Mumbai | Suraj Pandey
નાયર, કેઈએમ હૉસ્પિટલમાં સીટી સ્કૅન મશીન્સ ખોરવાઈ જતાં દરદીઓ મુશ્કેલીમાં
મુંબઈ (પી.ટી.આઇ.) : બીવાયએલ નાયર હૉસ્પિટલનું સીટી સ્કૅન મશીન એક અઠવાડિયા કરતાં વધુ સમયથી બંધ પડ્યું છે, જ્યારે કેઈએમ હૉસ્પિટલનું સીટી સ્કૅન મશીન છેલ્લાં બે સપ્તાહથી આંશિક રીતે કાર્યરત છે, જેને કારણે ડૉક્ટર ફક્ત બ્રેઇન સ્કૅન કરી શકે છે.
નાયર હૉસ્પિટલે જ્યાં સુધી મશીન સરખું ન થઈ જાય, ત્યાં સુધી દર્દીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ખાનગી સુવિધા એનએમ મેડિકલ સાથે જોડાણ કર્યું છે, પણ કેઈએમ હૉસ્પિટલમાં આઉટપેશન્ટ્સ માટે આવી કોઈ વ્યવસ્થા ન કરાઈ હોવાથી તેમને ખાનગી ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ પાસે જવા સિવાય છૂટકો નથી.
નાયર હૉસ્પિટલથી આશરે ચાર કિલોમીટરના અંતરે આવેલી પરેલની એનએમ મેડિકલ આ પ્રક્રિયા માટે દર્દીઓ પાસેથી કૉર્પોરેશન સંચાલિત હૉસ્પિટલ જેટલો જ ચાર્જ વસૂલી રહી છે. નાયર અને કેઈએમ હૉસ્પિટલના જે ઇનપેશન્ટ્સે સીટી સ્કૅન કરાવવું જરૂરી હોય, તેમને સાયન હૉસ્પિટલ મોકલવામાં આવે છે.
નાયર હૉસ્પિટલના રેડિયોલૉજી વિભાગના એક સિનિયર અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું, ‘રોજ અમે આશરે ૬૦-૭૦ સીટી સ્કૅન્સ કરીએ છીએ, એમાંથી ૨૦થી ૨૫ આઉટપેશન્ટ્સ હોય છે. ફિલિપ્સનું આ મશીન આઠ-નવ વર્ષ જૂનું છે. મશીન અવારનવાર ખોટકાઈ પડતું હોવાથી નવું મશીન લાવવું હિતાવહ છે. મને લાગે છે કે, મશીન રિપેર કરાવવાની જવાબદારી મુંબઈ કૉર્પોરેશનની છે. મશીન જૂનું હોવાથી કંપની સાથેનો કરાર પૂરો થઈ ગયો છે.’
નાયર હૉસ્પિટલના રેડિયોલૉજી વિભાગના હેડ ડૉ. દેવીદાસ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ‘મશીનના સ્પેર-પાર્ટને બદલવાની જરૂર છે અને અમે એ મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી છે. મશીન એક અઠવાડિયામાં રિપેર થઈ જશે. દરમ્યાન, અમે નવું મશીન પણ ખરીદી રહ્યા છીએ. નવા મશીન માટે અમારે એને અનુરૂપ રૂમ તૈયાર કરવો પડશે, જેમાં થોડો સમય લાગશે.’
બીજી તરફ, સાયન હૉસ્પિટલના ડૉક્ટરે નામ ન જણાવતાં નાયર અને કેઈએમના દર્દીઓ ત્યાં જઈ રહ્યા હોવાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું, ‘તેમનાં મશીનો જૂનાં છે અને વારંવાર અટકી પડે છે, જેથી ખાસ કરીને ઓપીડી ધોરણે આવતા દર્દીઓએ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.’