24 March, 2025 12:37 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાગપુરમાં ગયા સોમવારે હિંસક રમખાણો ફાટી નીકળ્યા બાદ ૧૧ વિસ્તારોમાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૧૪ લોકોની ધરપકડ કરવાની સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાને લીધે શાંતિ સ્થપાઈ છે એટલે ગઈ કાલે પોલીસે તમામ ૧૧ વિસ્તારોમાંથી કરફ્યુ ઉઠાવી લેવાનો નિર્ણય લીધો હતો. રમખાણમાં ૨૦ ટૂ-વ્હીલર, ૪૦ કાર અને બે ક્રેનને આગ લગાવવામાં આવી હતી. મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો કરવાથી પાંચ સામાન્ય નાગરિકને અને પાંત્રીસ જેટલા પોલીસને ઈજા થઈ હતી. શાંતિ સ્થપાયા બાદ હવે નાગપુરમાં બધું સામાન્ય થઈ ગયું છે. જોકે અત્યારે રમઝાન ચાલી રહ્યા છે ત્યારે કોઈ ગરબડ ન થાય એ માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ-બંદોબસ્ત કાયમ રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા સોમવારે હિંસા ફાટી નીકળ્યા બાદ નાગપુરના મહાલ, ગાંધીબાગ, ઇતવારી વગેરે વિસ્તારોમાં આગ લગાવવાની સાથે તોડફોડ કરવાથી સૌથી વધુ ૨૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.