21 March, 2025 06:58 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
પોલીસ પર થયેલા હુમલાને કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય એવી સોમવારે વિધાનસભામાં જાહેરાત કર્યા બાદ ગઈ કાલે ફરી એક વાર રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે નાગપુરમાં પોલીસ પર હુમલો કરનારાઓને તેમની કબર ખોદીને પણ બહાર કાઢવામાં આવશે. પોલીસ પર કરવામાં આવેલો અટૅક એ અક્ષમ્ય અપરાધ છે. આરોપીઓને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે.’
નાગપુરમાં સોમવારે રાત્રે ડ્યુટી બજાવી રહેલાં મહિલા પોલીસ અધિકારીઓનો વિનયભંગ કરવામાં આવ્યો હોવાના સમાચારના સંદર્ભમાં મુખ્ય પ્રધાને આ સ્ટેટમેન્ટ કર્યું હતું. તોફાની તત્ત્વોએ કરેલા પથ્થરમારામાં ત્રણ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP)ની સાથે કુલ ૩૩ પોલીસના જવાનો ઘાયલ થયા હતા.
સોમવારની હિંસા વિશે તેમણે કહ્યું હતું કે ‘૧૯૯૨માં પણ શહેરમાં કોઈ રમખાણ નહોતાં થયાં. શહેરમાં થયેલી હિંસાનું અમુક લોકો દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના વિરોધ-પ્રદર્શન વખતે ઔરંગઝેબની કબરની પ્રતિકૃતિ બાળવામાં આવી હતી. કુરાનની આયત (અલ્લાહનો સંદેશ) બાળવામાં નહોતી આવી એ અમે વેરિફાય કરી લીધું છે. આમ છતાં, જાણી જોઈને અફવા ફેલાવવામાં આવી હતી.’