22 March, 2025 02:46 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાગપુરમાં સોમવારે થયેલી હિંસા અને તોડફોડની ઘટનામાં પોલીસે ગઈ કાલે વધુ ૧૪ આરોપીઓની ધરપકડ કરતાં અત્યાર સુધી આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા ૧૦૫ પર પહોંચી ગઈ છે. જે લોકો પકડાયા છે એમાં ૧૦ સગીર વયના છોકરાઓ છે. આ હિંસાચારની ઘટનાને લઈને વધુ ત્રણ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કવામાં આવ્યા છે.
નાગપુરમાં ૧૭ માર્ચે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે મળીને ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દે યોજેલા વિરોધ-પ્રદર્શનમાં કુરાનની આયત લખેલી ચાદર બાળવામાં આવી હોવાની અફવા ફેલાતાં રમખાણ ફાટી નીકળ્યાં હતાં. જેમાં બહુ મોટા પ્રમાણમાં પથ્થરમારો થયો હતો, રસ્તા પર પાર્ક કરાયેલાં વાહનોની તોડફોડ થઈ હતી, લોકોને ઘરમાં ઘૂસીને માર મારવામાં આવ્યા હતા, પોલીસ પર પથ્થરમારો થયો હતો અને મહિલા પોલીસ કર્મચારીઓનો વિનયભંગ પણ થયો હતો. એ રમખાણમાં કુલ ૩૩ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.