21 March, 2025 06:59 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
નાગપુરના હંસપુરી વિસ્તારમાં બળીને ખાખ થઈ ગયેલી કાર અને બંધ રોડ તથા ચિટનીસ પાર્ક વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત અને ફહીમ ખાન
નાગપુરમાં સોમવારે ફાટી નીકળેલા રમખાણનો માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાન હોવાનું જણાઈ આવતાં ગઈ કાલે નાગપુર પોલીસે તેની ધરપકડ કરીને બે દિવસની પોલીસ-કસ્ટડી મેળવી હતી. આરોપી ફહીમ ખાન માઇનૉરિટી ડેમોક્રૅટિક પક્ષનો શહેર અધ્યક્ષ છે. તે લોકસભાની ચૂંટણીમાં નીતિન ગડકરી સામે ચૂંટણી લડ્યો હતો અને માત્ર ૧૦૭૩ મત મેળવ્યા હતા. પોલીસે નોંધેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં એવું પણ જણાઈ આવ્યું છે કે નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે બપોરના સમયે શિવાજીના પૂતળા પાસે ઔરંગઝેબના પ્રતીકાત્મક પૂતળાને આગ ચાંપી હતી. ત્યાર બાદ ફહીમ ખાને મુસ્લિમોને ૪ વાગ્યે શિવાજી મહારાજના પૂતળા પાસે જમા થવાના મૅસેજ કર્યા હતા એટલે સાંજના ૫૦૦થી ૬૦૦ મુસ્લિમો આ સ્થળે જમા થયા હતા. એ સમયે પોલીસે બધાને શાંતિ જાળવવાની અને ઘરે જવાની અપીલ કરી હતી. જોકે મુસ્લિમોના ટોળાએ પોલીસની વાત માની નહોતી. કેટલાક લોકોએ ‘અભી પુલિસ કો દિખાતે હૈં. ઇનકો ઔર કિસી ભી હિન્દુ કો છોડને કા નહીં. ઇન્હોંને હી સારા ખેલ કિયા હૈ. ઇન્હોંને હી યે સબ કિયા હૈ’ એવો સૂત્રોચ્ચાર કર્યો હતો. એને લીધે ટોળું ઉશ્કેરાયું હતું અને રમખાણ ફાટી નીકળ્યું હતું. લોકોએ વાહનોની તોડફોડ કરવાની સાથે કેટલાક લોકોના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હોવાનું પણ પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે.
મહિલા પોલીસનો વિનયભંગ
ઉશ્કેરાયેલા મુસ્લિમોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરવાની સાથે ધારદાર શસ્ત્રથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં, રાતના સમયે બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવેલી મહિલા પોલીસનાં કપડાં ફાડીને વિનયભંગ કરવાની પણ કોશિશ કરી હતી. આ સિવાય મહિલા પોલીસ સાથે અશ્લીલ ચાળા કરવાની સાથે તેમને અપશબ્દો પણ કહ્યા હતા.
૫૮ કલમ આરોપીઓ પર લગાવવામાં આવી
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રમખાણ કરનારાઓ સામે સખત હાથે કામ લેવાનો પોલીસને આદેશ આપ્યો છે એટલે નાગપુરના ભાલદારપુરા, ગંજીપેઠ, ગીતાંજલિ ચોક, ચિટણીસ પાર્ક, નાતિક ચોક જેવાં સ્થળોએ હિંસા કરનારા આરોપીઓ સામે પોલીસ દ્વારા ૫૮ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એમાં રમખાણ મચાવવાથી લઈને વિનયભંગના ગુનાનો સમાવેશ છે.