21 January, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી તેમ જ સૈફ અલી ખાન
સૈફ અલી ખાન પર હુમલો કરનારો મોહમ્મદ શેહઝાદ પકડાયા બાદ હવે આ કેસને લગતી તમામ માહિતીઓ પોલીસને મળવાની શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી આ કેસને લઈને ઘણા પ્રશ્નો થતા હતા પણ હવે આરોપીનો આશય શું હતો, તે કેવી રીતે સૈફ-કરીનાના ઘરમાં ઘૂસ્યો હતો, હુમલો કરીને તે ક્યાં-ક્યાં ગયો હતો જેવી તમામ શંકા-કુશંકાઓના જવાબ મળી ગયા છે.
પોલીસનું કહેવું છે કે મોહમ્મદ શેહઝાદને પૈસા જોઈતા હોવાથી ચોરીના આશયથી તે સૈફના ઘરમાં ઘૂસ્યો હતો. તેણે રેકી કરેલા બૉલીવુડ સ્ટાર્સના ફ્લૅટ કે બંગલોમાં સૈફના ઘરની સિક્યૉરિટી ટાઇટ ન હોવાથી એની પસંદગી કરી હતી. આરોપીએ અમુક માળ સુધી દાદરાનો ઉપયોગ કર્યા બાદ સર્વિસ શાફ્ટમાંથી સૈફના નાના પુત્ર જહાંગીરના બાથરૂમમાં એન્ટ્રી મારી હતી અને એ જ રીતે તે ભાગ્યો પણ હતો.’
સૈફના ઘરેથી ભાગ્યા બાદ તેણે સૌથી પહેલું કામ કપડાં બદલવાનું કર્યું હતું. પોલીસને ત્રણ વાગ્યાની આસપાસનું બાંદરાની નૅશનલ કૉલેજ પાસેનું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) ફુટેજ મળ્યું છે જેમાં આરોપી કપડાં બદલતો દેખાય છે. ત્યાર બાદ તે બાજુમાં આવેલા પટવર્ધન ગાર્ડનમાં સૂઈ ગયો હતો અને ત્યાંથી બાંદરા સ્ટેશને જઈને દાદર માટે ટ્રેન પકડી હતી. દાદરથી વરલી અને ત્યાંથી અંધેરી થઈને થાણે હીરાનંદાની એસ્ટેટની પાછળ આવેલા લેબર કૅમ્પને અડીને આવેલી ઝાડીમાં છુપાઈ ગયો હતો. પોલીસે તેને ત્યાંથી જ પકડ્યો હતો.
તે બંગલાદેશનો નાગરિક છે એના ડૉક્યુમેન્ટ્સ પણ પોલીસને હાથ લાગ્યા છે. આરોપીએ શરૂઆતમાં પોતાનું નામ વિજય દાસ કહીને પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી હતી, પણ આ નામના કોઈ પુરાવા તે નહોતો આપી શક્યો. પોતે કલકત્તાનો રહેવાસી હોવાનું પણ તેણે કહ્યું હતું, પણ પોલીસે તેનું આ જુઠ્ઠાણું પકડી પાડ્યું હતું. એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘તપાસ દરમ્યાન તે ભાંગી પડ્યો હતો ત્યારે અમે તેને બંગલાદેશમાં રહેતા પરિવારમાંથી કોઈને ફોન કરીને સ્કૂલ લીવિંગ-સર્ટિફિકેટ મગાવવાનું કહ્યું હતું. અમારા કહેવા મુજબ તેણે બંગલાદેશમાં રહેતા ભાઈને ફોન કરીને લીવિંગ-સર્ટિફિકેટ મગાવ્યું હતું. તેના ભાઈએ મોહમ્મદ શેહઝાદના મોબાઇલ પર સ્કૂલ લીવિંગ-સર્ટિફિકેટ મોકલી આપ્યું હતું. તે બંગલાદેશી નાગરિક હોવાનો આ સજ્જડ પુરાવો હવે અમારી પાસે છે.’