02 May, 2023 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બીકેસીમાં યોજાયેલી વજ્રમૂઠ સભામાં ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર, બાળાસાહેબ થોરાત અને નાના પટોલે (તસવીર : રાણે આશિષ)
વિરોધી પક્ષ અને એનસીપીના નેતા અજિત પવારે મુખ્ય પ્રધાનપદનો દાવો કર્યા બાદ મહા વિકાસ આઘાડીની આગામી સરકારમાં ઉદ્ધવ ઠાકરેને બદલે અજિત પવાર જ મુખ્ય પ્રધાન બનશે એવી અટકળો લગાવાતી હતી. આથી જ મુંબઈની વજ્રમૂઠ સભામાં છેલ્લે ઉદ્ધવ ઠાકરેને બદલે અજિત પવાર ભાષણ કરે એવી ચર્ચા હતી. જોકે ગઈ કાલે બાંદરાના એમએમઆરડીએ મેદાનમાં આયોજિત સભામાં ઉદ્ધવ ઠાકરેએ સૌથી છેલ્લે ભાષણ કર્યું હતું. આથી ભવિષ્યમાં જો મહા વિકાસ આઘાડીની રાજ્યમાં સરકાર બનશે તો ઉદ્ધવ ઠાકરેનો મુખ્ય પ્રધાનપદનો દાવો કાયમ રહ્યો હોવાની શક્યતા જોવાઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેએ આ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. નીતેશ રાણે રોજ ઠાકરે પરિવાર પર બોલે છે એનું મોઢું કેમ બંધ નથી કરાવતા? સંજય રાઉત, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે દરરોજ બીજેપી, નરેન્દ્ર મોદી, અમિત શાહ અને એકનાથ શિંદેની ટીકા કરવાની એક પણ તક છોડતા નથી. એનો જવાબ બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણે આપી રહ્યા છે એ ઉદ્ધવ ઠાકરેને ખૂંચી રહ્યું છે.
બાંદરાના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં મહા વિકાસ આઘાડી દ્વારા આયોજિત કરવામાં આવેલી વજ્રમૂઠ સભામાં વિરોધી પક્ષ નેતા અજિત પવારે શિવસેના અને બાળાસાહેબ ઠાકરેએ કેવી રીતે મુંબઈને બચાવી હતી એવું કહ્યું હતું. તેમણે એકનાથ શિંદે ગોટાળા કરીને મુખ્ય પ્રધાન બન્યા હોવાનો આરોપ કર્યો હતો. આમ કહીને તેમણે એનસીપી કે મહા વિકાસ આઘાડી રાજ્ય માટે શું કરશે એ વિશે કંઈ બોલ્યા વિના શિવસેનાની ભાષા બોલી હતી.
ઉદ્ધવ ઠાકરેએ સભાના અંતમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે ‘આ સરકારે સત્તા સંભાળ્યા બાદ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના મેદાનની સોના જેવી જગ્યા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આપી દીધી અને કાંજુર માર્ગમાં મેટ્રો માટેનો કારશેડ બનાવવાની મંજૂરી આપી દીધી. સરકારે આવું ભ્રષ્ટાચાર કરવા માટે કર્યું છે. મેટ્રો રેલ માટે મુંબઈમાં આરે અને કાંજુર માર્ગમાં એમ બે કારશેડથી પર્યાવરણને નુકસાન થશે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘વડા પ્રધાને કર્ણાટકની સભામાં કહ્યું છે કે કૉન્ગ્રેસે તેમને ૯૧ ગાળ આપી છે. તેમને યાદ છે કે કોણે તેમને શું કહ્યું, પણ બીજેપીના નેતાઓ દ્વારા મારી અને મારા પરિવાર વિશે દરરોજ બોલવામાં આવે છે એને તેઓ કેમ રોકતા નથી. બીજેપીના નેતાઓ સીધી રીતે મુંબઈને તોડી શકે એમ નથી એટલે તેમણે ધીમે-ધીમે કરીને અહીંના બિઝનેસને ગુજરાતમાં લઈ જવાનું શરૂ કર્યું છે. ગૌતમ અદાણીએ અંબુજા અને એસીસી સીમેન્ટ કંપનીઓ ખરીદ્યા બાદ એના હેડ ક્વૉર્ટર્સ મુંબઈથી હટાવીને ગુજરાતમાં ખસેડ્યા છે.’ ઉદ્ધવ ઠાકરેનો સંકેત નીતેશ રાણે તરફ હતો. સંજય રાઉત, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને તેમના જૂથ દ્વારા દરરોજ રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીકા થાય છે એનો જવાબ આપવાની બીજેપીએ નીતેશ રાણેના રૂપમાં આપવાની શરૂઆત કરી છે, એ ઉદ્ધવ ઠાકરેને ચચર્યું હોવાનું લાગી રહ્યું છે.
બારસુ રિફાઇનરી વિશે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘૬ મેએ હું બારસુમાં જઈશ અને ત્યાંના લોકો સાથે વાત કરીને મારે જે કહેવાનું છે એ કહીશ. બારસુ પાકિસ્તાનમાં નથી કે કોઈ મને ત્યાં જતાં રોકી શકે. રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સાવંત શરદ પવારની સલાહ આ રિફાઇનરી બાબતે લઈ શકે તો હું બારસુમાં કેમ ન જઈ શકું?’