16 August, 2024 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ મજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણ તંગ બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે ચૂંટણીને પગલે તમામ રાજકીય પક્ષો પોતપોતાનું પલ્લું મજબૂત કરવા માટે કમર કસી રહ્યા છે.
અત્યારે ચૂંટણી માટે તમામ પક્ષો બેઠકોનું આયોજન (MVA Meeting) કરી રહ્યા છે. આ જ સંદર્ભમાં આજે પણ મુંબઈમાં ષણમુકાનંદ ઓડિટોરિયમમાં મહાવિકાસ આઘાડીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ એવું કહી શકાય કે મહાવિકાસ આઘાડીના પ્રચાર-પ્રસારની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે.
મુખ્યમંત્રીનાં નામની ઘોષણા કરી જ દો, હું સમર્થન છે- ઉદ્ધવ ઠાકરે
આજે મુંબઈમાં યોજાયેલી મહાવિકાસ આઘાડીની બેઠક (MVA Meeting)માં પક્ષનાં તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આજની મહાવિકાસ આઘાડીમાં ખાસ તો મુખ્યમંત્રીપદ માટેના ચહેરા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે આજની બેઠકમાં પૃથ્વીરાજ ચવ્હાણ અને શરદ પવાર પણ હાજર છે. હું તેમને કહું છું કે હવે મુખ્યમંત્રી પદની જાહેરાત કરી જ દો. મારો પૂરેપૂરો ટેકો છે. એ નામ ગમે તે હોય શકે. એ પછી ઉદ્ધવ ઠાકરે હોય કે અન્ય કોઈ હોય. મારો ટેકો રહેશે જ.
આગામી વિધાનસભા બેઠક માટેની તૈયારીઓ અંગે શું બોલ્યા ઉદ્ધવ ઠાકરે?
ઉદ્ધવ ઠાકરેએ પોતાની વાત (MVA Meeting)માં જણાવ્યું હતું કે તેઑ લાંબા સમયથી તેમના સહયોગી પક્ષોના પદાધિકારીઓ સાથે આ પ્રકારની બેઠક યોજવા માંગતા હતા. ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે ત્યારે તેઓએ ચૂંટણીની જાહેરાત કરવી જોઈએ. અમે પૂરેપૂરી રીતે તૈયાર છીએ. ‘અમે તૈયાર છીએ’ એટલું બોલી કાઢવું તો સહેલું છે. પણ, લડાઈ સરળ નથી. અમે લોકસભામાં રાજકીય દુશ્મનને પાણી પાયું છે. લોકસભાની ચૂંટણી બંધારણ અને લોકશાહીના રક્ષણની હતી.
તેઓએ આગળ જણાવ્યું હતું કે તું રહીશ કાં તો હું રહીશ. બસ આ જ જીદ સાથે ચૂંટણી લડવી જોઈએ. પણ આવું આપણી વચ્ચે થવું ન જોઈએ. આપણે તેમની સામે લડત આપવાની છે. જેઓ મહારાષ્ટ્રને લૂંટવા આવ્યા છે. આપણી આઘાડી (MVA Meeting) પહેલેથી જ છે. સરકાર હવે જાગી ગઈ છે. તેમને હવે લાગે છે કે કંઈક કરવું જોઈએ.
મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું તે માત્ર મહારાષ્ટ્ર માટે જ. મહારાષ્ટ્રને નમાવવાની કોઈ હિંમત કરશે નહીં. જે મહારાષ્ટ્રને નમાવવાની હિંમત કરે છે તેને દફનાવી દો. હવે મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરો. જે અનુભવ ભાજપ સાથેના ગઠબંધનમાં મળ્યો એવો ફરી જોઈતો નથી. અમે 20-25 વર્ષ અમે સાથે હતા. મીટીંગો થતી હતી. મુખ્ય પ્રધાન પદ માટે એવું હતું કે જેને વધુ બેઠકો મળે એ મુખ્યમંત્રી બને. ત્યારે એકબીજાના ટાંટિયા ખેંચવામાં આવતા હતા. એકમેકને પાડવાનું રાજકારણ રમાતું હતું. એમ ઉદ્ધવ ઠાકરે બેઠક (MVA Meeting)માં બોલ્યા હતા.