ઉદ્ધવ ઠાકરેની મુખ્ય પ્રધાનનો ચહેરો જાહેર કરવાની માગણી પર શરદ પવારે પાણી ફેરવ્યું

05 September, 2024 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના સૌથી વરિષ્ઠ નેતાએ કહ્યું કે વિધાનસભાની ચૂંટણી મુખ્ય પ્રધાનપદના ચહેરા વિના લડવામાં આવશે અને ચૂંટણી બાદ સૌથી વધુ વિધાનસભ્યો જેના હશે એને પ્રાથમિકતા આપવામાં આવશે

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને બે મહિનાનો જ સમય બાકી છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ એકથી વધુ વખત મહા વિકાસ આઘાડીના મુખ્ય પ્રધાનપદનો ચહેરો જાહેર કરવાની માગણી કૉન્ગ્રેસ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારને કરી છે. ઉદ્ધવ ઠાકરે આ માટે દિલ્હીમાં કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હતા. જોકે કૉન્ગ્રેસ તરફથી તેમને કોઈ હકારાત્મક જવાબ નહોતો અપાયો. ગઈ કાલે કોલ્હાપુરમાં પ્રેસ-કૉન્ફરન્સમાં શરદ પવારને મહા વિકાસ આઘાડીના મુખ્ય પ્રધાન કોણ હશે અને કોની આગેવાનીમાં વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે એ પૂછવામાં આવ્યું ત્યારે એના જવાબમાં શરદ પવારે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનપદના ચહેરા વિશે વિચાર કરવાનું અત્યારે કોઈ કારણ નથી. સંખ્યાના આધારે વિચાર કરવામાં આવશે. અનેક વખત એવું બન્યું હતું કે નેતૃત્વ કોણ કરશે એનો ચૂંટણી થયા બાદ સંખ્યાના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો. બહુમત મળશે એવું વાતાવરણ છે, એમાં કોઈ શંકા નથી; પણ અત્યારે મુખ્ય પ્રધાન કોણ બનશે એ નક્કી કરવામાં નથી આવ્યું.’

શરદ પવારે ચૂંટણી પહેલાં કોઈ નામ જાહેર ન કરવા વિશેનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ‘ભારતમાં ૧૯૭૭માં ઇમર્જન્સી બાદ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. એ ચૂંટણીમાં કોઈનું નેતૃત્વ જાહેર નહોતું કરવામાં આવ્યું. જયપ્રકાશ નારાયણે એ સમયે કહ્યું હતું કે ઇમર્જન્સીનો વિરોધ કરવા માટે બધા પક્ષોએ સાથે આવવું જોઈએ. આથી બધા સાથે આવ્યા હતા. ચૂંટણી બાદ મોરારજી દેસાઈનું વડા પ્રધાન તરીકે નામ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં મત મેળવવા માટે તેમનું નામ લેવામાં નહોતું આવ્યું. આવી જ રીતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ મુખ્ય પ્રધાન કોણ હશે એ જાહેર કરવાની જરૂર નથી. ચૂંટણીમાં જનતાનું સમર્થન મળશે તો અમે બધા સાથે બેસીને આ બાબતનો નિર્ણય લઈશું.’

શરદ પવારના આ નિવેદનથી ઉદ્ધવ ઠાકરેની પોતાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો ચહેરો જાહેર કરવા માટેની કવાયત પર પાણી ફરી વળ્યું છે. હવે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બની શકશે કે કેમ એવી ચર્ચા શરૂ થઈ છે.

મહારાષ્ટ્રમાં પણ બળાત્કારીને ફાંસીની સજા થવી જોઈએ

પશ્ચિમ બંગાળની સરકારે મંગળવારે બળાત્કાર કરનારને તાત્કાલિક ફાંસીની સજા કરવાનો કાયદો મંજૂર કર્યો હતો. આ વિશે શરદ પવારે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે પણ અત્યારનો કાયદો બદલીને પશ્ચિમ બંગાળ સરકારે બળાત્કાર કરનારાને ફાંસીની સજા કરવાનો કાયદો બનાવ્યો છે એવો જ કાયદો લાવવો જોઈએ. રાજ્ય સરકાર આવું બિલ લાવશે તો અમે એને સમર્થન આપીશું. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં અમે આ બાબતને સામેલ કરીશું અને ચૂંટણીઢંઢેરામાં પણ આવો કાયદો લાવવામાં આવશે એની જાહેરાત કરીશું.’

sharad pawar nationalist congress party uddhav thackeray shiv sena mumbai mumbai news