31 August, 2021 12:22 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાયરસને કારણે આ વખતે મહારાષ્ટ્રમાં દહી હાંડી કાર્યક્રમ પર રોક લગાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉના દિવસે જ આવા કાર્યક્રમ પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ મુદ્દે રાજ્યમાં સરકાર અને વિપક્ષ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
મુંબઈ પોલીસ મંગળવારે સવારે ભાજપ નેતા રામ કદમના ઘરે પહોંચી હતી. રામ કદમે દહી હાંડીની ઉજવણી કરવાની જાહેરાત કરી છે, એવામાં પોલીસ પહેલા તેમના નિવાસસ્થાન પર પહોંચી છે. જો કે રાજ્ય સરકારે કોઈ પણ મોટા કાર્યક્રમનું આયોજન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પોલીસે મનસેના ચાર કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશનું ઉલ્લંઘન કરવા બદલ અને કોરોના મહામારીના સંકટમાં ભીડ એકઠી કરવાના આક્ષેપમાં તેમના સામે કેસ નોંધવામાં આવ્યો છે. મનસેના કાર્યકર્તાઓએ પ્રતિબંધ હોવા છતાં દહી હાંડીનું ઉજવણી કરી હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ રાજય સરકારની મનાઈ છતાં દાદર વિસ્તારમાં દહી હાંડી કાર્યક્રમ યોજ્યો હતો અને પિરામિડ બનાવી હાંડી તોડી હતી. મનસેના કાર્યકર્તાઓએ દાદરના સબ અર્બન વિસ્તારનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે લોકો દહી હાંડી કાર્યક્રમ ઉજવતા જોવા મળી રહ્યાં છે.
જોકે, રાજ્ય સરકારના આ નિર્ણય પર ભારતીય જનતા પાર્ટી ગુસ્સે ભરાઈ હતી. ભાજપે ઉદ્ધવ સરકાર પર હિન્દુ તહેવારોને વિક્ષેપિત કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે કહ્યું હતું કે તે દહીં હાંડીનો કાર્યક્રમ ચોક્કસપણે ઉજવશે. પોલીસ દ્વારા ભાજપના નેતા રામ કદમને નોટિસ પણ આપવામાં આવી છે.
લોકડાઉન અને અન્ય કડક બાબતો અંગે હવે મહારાષ્ટ્રમાં કેટલીક હળવાશ જોવા મળી રહી છે, પરંતુ કોરોનાના ભયને જોતા કોઈપણ મોટા કાર્યક્રમની પરવાનગી આપવામાં આવતી નથી. રાજ્યમાં હજુ પણ કોરોનાના 50 હજારથી વધુ સક્રિય કેસ છે, જે કેરળ પછી દેશમાં સૌથી વધુ છે.