13 September, 2024 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મારપીટ કરી રહેલા મુસ્લિમ પિતા-પુત્રનો વિડિયો ગ્રૅબ
ભાઈંદર-ઈસ્ટમાં મીરા-ભાઈંદર રોડ પર આવેલા જૂના પેટ્રોલ-પમ્પ પાસે વાહનોનું પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC)નું સર્ટિફિકેટ આપવાનું કામકાજ કરતા ૨૯ વર્ષના વિશાલ તિવારી પર બુધવારે સાંજે મુસ્લિમ પિતા-પુત્ર અને તેમની સાથેના લોકોએ ‘તેરા નામ તિવારી હૈ ના, તૂ હિન્દુ હૈ ના, સાલે કો જાન સે મારો’ કહીને હુમલો કર્યો હતો. આ હુમલામાં વિશાલ તિવારીના માથામાં ચાર ટાંકા આવવાની સાથે પગમાં બે ફ્રૅક્ચર આવ્યાં છે. નવઘર પોલીસે આ મામલામાં હુમલો કરનારા પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પાકિસ્તાનમાં નામ પૂછીને હિન્દુઓને મારવામાં આવે છે એવી જ રીતે મીરા રોડમાં પણ હિન્દુની મારપીટ મુસ્લિમોએ કરતાં લોકો ચોંકી ઊઠ્યા છે.
નવઘર પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી વિશાલ તિવારી PUCનું કામકાજ કરે છે. તેની બાજુમાં આવેલી ભંગારની દુકાન ધરાવતા દીપક પ્રજાપતિના પુત્ર નુરુ સાથે શહજાદ હમીદાની નામના યુવકનો કોઈક કારણસર બપોરના ૨.૩૦ વાગ્યે ઝઘડો થયો હતો. ફરિયાદી વિશાલ તિવારીએ બન્નેને અલગ કરીને ઘરે જવાનું કહ્યું હતું. આથી શહજાદ હમીદાની જતો રહ્યો હતો. જોકે સાંજે ૫.૪૦ વાગ્યે શહજાદ તેના પિતા નૂર હમીદાની અને બીજા ચારથી પાંચ લોકો સાથે પાછો આવ્યો હતો. તેમણે ફરિયાદી પર લાકડીથી ફટકારીને હુમલો કરવા ઉપરાંત તેના માથામાં પથ્થર ફટકાર્યો હતો. આ હુમલાથી વિશાલ તિવારીના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. એ જોઈને બધા જવા લાગ્યા હતા. આ સમયે શહજાદ હમીદાનીએ કહ્યું કે ‘અભી તો તુઝે મારા હૈ, તેરે પરિવાર કો ભી માર દૂંગા.’ હૉસ્પિટલમાં સારવાર લીધા બાદ વિશાલ તિવારીએ નવઘર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ મુસ્લિમોની બહોળી વસતિ ધરાવતા નયાનગરના રહેવાસીઓ છે.
નવઘર પોલીસે બાદમાં હુમલો કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર શહજાદ હમીદાની, તેના પિતા નૂર અને અન્ય એક આરોપીની ધરપકડ કરી છે.