27 July, 2024 01:49 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
સ્થાનિક સંસદસભ્ય અને કૅબિનેટ પ્રધાન મુરલીધર મોહોળે ગઈ કાલે પુણેમાં પાણી ભરાયાં હતાં એ વિસ્તારની મુલાકાત લીધી હતી.
બુધવારે રાતે પુણેમાં અનરાધાર વરસાદ થવાની સાથે ઉપરવાસમાં આવેલા ખડકવાસલા ડૅમમાંથી પાણી છોડવા બાબતે સંસદસભ્ય સુપ્રિયા સુળે બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પુણેના સંસદસભ્ય સભ્ય અને કૅબિનેટ પ્રધાન મુરલીધર મોહોળે ગઈ કાલે પુણેમાં પાણી ભરાયાં હતાં એ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘સિંહગઢ રોડ પરના એકતાનગરની સાથે પુણે જિલ્લાના વેલ્હા, મુળશી, ભોર તાલુકામાં આવેલા ખડકવાસલા સહિત અનેક ડૅમ આવેલા છે. આ કૅચમેન્ટ એરિયામાં વધારે વરસાદ થતાં ડૅમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ઇરિગેશન વિભાગમાં યોગ્ય તાલમેલ કરવામાં આવ્યો હોત તો મુશ્કેલી ન થાત. ડૅમમાંથી ૪૦થી ૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું એની પહેલાં લોકોને જાણ નહોતી કરવામાં આવી. ઇરિગેશન વિભાગે આટલી મોટી માત્રામાં ડૅમમાંથી પાણી છોડતાં પહેલાં સામાન્ય લોકોની સાથે સ્થાનિક સુધરાઈ અને પોલીસને પણ જાણ કરવાની જરૂર હતી. ભવિષ્યમાં આવી ભૂલ સુધારી લેવી જોઈએ જેથી લોકો મુશ્કેલીમાં ન મુકાય. ફરી વધુ વરસાદ થાય તો ઇરિગેશન વિભાગને મેં પાણી છોડવાની જરૂર પડે તો ૩૫થી ૪૦ ક્યુસેક જ છોડવાની સૂચના આપી છે.’
ઉલ્લેખનીય છે કે બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ પણ કહ્યું હતું કે રાત્રે પાણી છોડ્યું હોત તો પુણેમાં પાણી ભરાવાની મુશ્કેલી ન થાત. જોકે અજિત પવારે જવાબ આપ્યો હતો કે રાત્રે સૂતેલા લોકો મુશ્કેલીમાં ન મુકાય એ માટે સવારના સમયે ખડકવાસલા ડૅમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.