24 June, 2023 10:39 AM IST | Mumbai | Rajendra B Aklekar
મુંબઈ લોકલ ટ્રેન
સેન્ટ્રલ રેલવેએ મુંબઈમાં સીએસએમટી, માટુંગા, કુર્લા, થાણે અને બદલાપુર આ પાંચ શહેરનાં સ્ટેશનોમાં ચોમાસાની કટોકટી માટે બોટ તૈયાર રાખી છે. ૧૪ કર્મચારીઓનો સમાવેશ કરતી સમર્પિત રેલવે ફ્લડ રેસ્ક્યુ ટીમે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (પુણે) પાસેથી તાલીમ મેળવી છે. ટીમને પૂરગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત કરવામાં આવશે. તેઓ બચાવ-કામગીરીમાં મદદ કરવા માટે પાંચ ઇન્ફ્લેટેબલ રેસ્ક્યુ બોટથી સજ્જ હશે.સેન્ટર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. શિવરાજ માનસપુરે જણાવ્યું હતું કે ‘ચોમાસાની આગોતરી તૈયારીરૂપે સેન્ટર રેલવેના મુંબઈ ડિવિઝને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ની રેલવે ફ્લડ રેસ્ક્યુ ટીમ સાથે પૂર દરમ્યાન મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધાં છે. મુંબઈ ડિવિઝને તાજેતરમાં પાંચ ઇન્ફ્લેટેબલ રેસ્ક્યુ બોટ તૈયાર કરી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, માટુંગા, કુર્લા, થાણે અને બદલાપુર સહિતનાં મહત્ત્વનાં રેલવે સ્ટેશનોમાં વ્યૂહાત્મક રીતે એક-એક બોટ મૂકવામાં આવી છે. પ્રોટોકૉલ અને પ્રોસેસની જાણકારી માટે એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) તમામ કર્મચારીઓ વચ્ચે સર્ક્યુલેટ કરવામાં આવી છે. તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે એક મૉક ડ્રિલ પણ કરવામાં આવી હતી.’
ડૉ. શિવરાજ માનસપુરે વિગતે જણાવ્યું હતું કે ‘ક્રાઉડ કન્ટ્રોલ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ માટે એક યોજના પણ તૈયાર કરવામાં આવી છે. એ માટે ત્રણ અલાયદી ટીમ બનાવવામાં આવી છે. એમાં પ્રત્યેકમાં ૧૫ આરપીએફ અધિકારીઓ અને સ્ટાફ-મેમ્બર્સનો સમાવેશ થાય છે. રાહત-પ્રવૃત્તિની દેખરેખને વધારવા માટે ચાર કર્મચારીઓ સાથે બે ડ્રોન કૅમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોનને અસરકારક રીતે ઑપરેટ કરવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે.’