મારા વોટના બદલામાં મને શું જોઈએ છે?

11 May, 2024 12:25 PM IST  |  Mumbai | Rohit Parikh

ઉત્કર્ષ શાહ સામાજિક સમસ્યા સંબંધી કડક કાયદો ભારતમાં બનાવીને અમલમાં લાવવા માગે છે

હેમાલી શાહ, ઉત્કર્ષ શાહ

ઘાટકોપરનાં હેમાલી શાહ કહે છે...

દેશના લાખો સિનિયર સિટિઝનોને મળતું રેલવે-કન્સેશન ફરીથી શરૂ થાય

ઘાટકોપર-વેસ્ટનાં ૬૭ વર્ષનાં હેમાલી શાહ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલાં છે. તેમનું નામ મતદારયાદીમાં આવ્યું ત્યારથી તેઓ મતદાન કરતાં રહ્યાં છે અને અન્ય મહિલાઓને પણ મતદાન કરવા પ્રેરિત કરતાં રહે છે. તેઓ માને છે કે સારી વ્યક્તિઓ સરકારમાં આવે એના માટે સૌએ મતદાન કરવું જરૂરી છે, પરંતુ તેઓ કોવિડ પછી સરકારે સિનિયર સિટિઝનોને રેલવે-કન્સેશન આપવાનું બંધ કર્યું એનાથી નારાજ છે. તેમના એક મતના બદલામાં દેશના લાખો સિનિયર સિટિઝનોને મળતું રેલવે-કન્સેશન ફરીથી શરૂ થાય એવી નવી સરકાર પાસે અપેક્ષા રાખતાં હેમાલીબહેન ‘મિડ-ડે’ને કહે છે, ‘આ કન્સેશન બંધ થવાથી સિનિયર સિટિઝનો પર આર્થિક બોજ વધી ગયો છે. વિદેશમાં સરકાર સિનિયર સિટિઝનોને મેડિકલથી લઈને અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. આપણી સરકાર અત્યારે વિકાસના પંથે આગળ વધી રહી છે ત્યારે અમારા જેવાનો વિકાસ સબસિડી બંધ થવાથી રૂંધાઈ રહ્યો છે. મારું ગુજરાતમાં પિયર હોવાથી અને હું સિનિયર સિટિઝન ગ્રુપની સભ્ય હોવાથી વર્ષમાં છથી સાત વાર રેલવેમાં પ્રવાસ કરું છું. સરકારે કોઈ પણ રીતે અમને મળતા સરકારી ફાયદા ફરીથી શરૂ કરીને અમને રાહત આપવાની જરૂર છે.’
- રોહિત પરીખ

વિલે પાર્લેમાં રહેતા ઉત્કર્ષ શાહ કહે છે...

સિનિયર સિટિઝનોને મદદરૂપ થાય એવા કડક કાયદા બનાવવા જોઈએ

વિલે પાર્લેમાં રહેતા અને મુંબઈની એક ડાયમન્ડ કંપનીમાં જૉબ કરતા ઉત્કર્ષ શાહ સામાજિક સમસ્યા સંબંધી કડક કાયદો ભારતમાં બનાવીને અમલમાં લાવવા માગે છે. પોતાના વોટના બદલામાં શું જોઈએ છે એ વિશે ઉત્કર્ષ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘આપણા દેશમાં સ્ત્રીને કાયદાકીય રીતે રક્ષણ આપવા માટેના ખૂબ જ સારા કાયદા છે. જોકે સિનિયર સિટિઝનોના તેમના ઘરમાં જ પુત્ર કે પુત્રવધૂ સાથેના સંબંધ જ્યારે કોઈક કારણસર ખરાબ થાય છે ત્યારે તેમને અન્યાય થતો હોવાનું જણાઈ આવે છે. દાખલા તરીકે ઘરનો મામલો પોલીસ-સ્ટેશન પહોંચે છે ત્યારે મોટા ભાગે પુત્રવધૂની વાત સાંભળવામાં આવે છે. સિનિયર સિટિઝનોનો સંતાનોનું ઘડતર કરવામાં સિંહફાળો હોય છે, પણ તેમને કાયદાકીય રીતે પૂરતું સંરક્ષણ નથી એટલે પાછલી જિંદગીમાં આર્થિક મુશ્કેલીની સાથે રહેવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. મને લાગે છે કે અત્યારની સરકાર આપણા દેશની ગંભીર સમસ્યાઓનો ઉકેલ લાવી રહી છે, પણ માતા-પિતાને હેરાન કરનારાં સંતાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એ પણ આપણા સમાજની અત્યંત ગંભીર બાબત છે. જે માબાપ પોતાનાં જ સંતાનોથી છેતરાયાં હોય તેમને તાત્કાલિક રીતે મદદ મળે એવી વ્યવસ્થા થવી જોઈએ અથવા એવો કડક કાયદો બનાવવો જોઈએ જેથી કોઈ યુવાન કે તેની પત્ની વૃદ્ધ માતા-પિતાને પરેશાન કરવાનું સપનામાંય ન વિચારે.’
- પ્રકાશ બાંભરોલિયા

mumbai news mumbai ghatkopar vile parle Lok Sabha Election 2024 gujaratis of mumbai