કોરોનાનો કેર, મુંબઈ બેફિકર

30 December, 2022 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુનિયાભરમાં કેસ વધતા માસ્ક પહેરવાની અપીલને હજી લોકોએ ગંભીરતાથી લીધી નથી : માસ્ક અને સૅનિટાઇઝરની માગમાં વધારો નહીં

રવિવારે મરીન ડ્રાઇવ પર ફરી રહેલા ઘણાખરા લોકોએ માસ્ક પહેર્યો નહોતો. તસવીર: આશિષ રાજે

મુંબઈ : દુનિયા પર ફરી ત્રાટકેલા કોરોનાથી મુંબઈગરાઓમાં હજી ગભરાટ ફેલાયો નથી. કેમિસ્ટ્સના જણાવ્યા પ્રમાણે માસ્ક અને સૅનિટાઇઝરની ડિમાન્ડ હજી એટલી ઊંચકાઈ નથી. સરકારે કોઈ નિયંત્રણો કે માર્ગદર્શિકા જાહેર કર્યાં નથી.

સરકાર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગામી દિવસોમાં કેસમાં વધારાને પહોંચી વળવા માટે સજ્જ રહેવાની તાકીદ કરી રહી છે ત્યારે જરૂરી ચીજોનો સંગ્રહ કરવા માંડેલા નાગરિકોની સંખ્યા ઘણી જ ઓછી છે. અંધેરીમાં રહેતા ધવલ શાહે જણાવ્યું હતું કે ‘ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને અમે આ વખતે આગોતરા માસ્ક અને સૅનિટાઇઝર ખરીદી લીધાં હતાં. વળી અમે ટ્રાવેલિંગ પણ કરવાના હોવાથી અમારે વધુ સાવચેત રહેવું પડશે.’

નવી મુંબઈના અશ્વિની મૌર્યએ અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મુંબઈમાં હજી કેસ વધ્યા નથી. વળી અમારી પાસે ઘરે ઘણા માસ્ક અને સૅનિટાઇઝર્સ પડ્યાં છે. સરકારે પણ હજી સુધી માસ્ક ફરજિયાત નથી કર્યા. કેસ વધવા માંડશે તો અમે માસ્ક ખરીદી લઈશું.’
મહારાષ્ટ્ર સ્ટેટ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ જગન્નાથ શિંદેએ કહ્યું હતું કે ‘અમુક જાગૃત લોકો માસ્ક અને સૅનિટાઇઝરની ખરીદી કરવા લાગ્યા છે. જોકે અમારી પાસે પૂરતો સ્ટૉક છે અને સપ્લાયર્સ પરિસ્થિતિથી સુપેરે વાકેફ હોવાથી કોઈ અછત નહીં સર્જાય.’

mumbai mumbai news coronavirus