મુંબઈગરા, બીએમસીને ઍર પૉલ્યુશનની ફરિયાદ કરવી છે?

30 November, 2023 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૉટ્સઍપ નંબર 81696 81697 ઉપર ફોટો મૂકીને કમ્પ્લેઇન કરો: એના પર પગલાં લેવામાં આવશે એવી બાંયધરી બીએમસીએ આપી

ફાઇલ તસવીર

હાલની દિવાળીમાં મુંબઈમાં ઍર પૉલ્યુશનની સમસ્યાએ મુંબઈગરાને હેરાન કરી મૂક્યો હતો. બીએમસી દ્વારા પણ એ માટે ઘણાં પગલાં લેવાયાં હતાં. જોકે હવે બીએમસીએ એક ડગલું આગળ વધીને લોકોને સીધો વૉટ્સઍપ નંબર 81696 81697 જ આપી દીધો છે. મોટા ભાગના લોકો આજકાલ વૉટ્સઍપ વાપરે છે ત્યારે તેમને મુંબઈમાં ક્યાંય પણ ઍર પૉલ્યુશન જેવું લાગે તો તરત જ ત્યાંનો ફોટો પાડીને બીએમસીને આ નંબર પર વૉટ્સઍપ કરી દેવો. બીએમસી એના પર પગલાં લેશે એવી બાંયધરી આપવામાં આવી છે.

આ દિવાળીમાં મુંબઈમાં સ્મૉગ અને ધુમ્મસ છવાયેલાં હતાં અને એમાં પણ કન્સ્ટ્રક્શનની સાઇટ પર ઍર પૉલ્યુશનને ખા‍ળવા જે પગલાં લેવાં જોઈએ એ પૂરતા પ્રમાણમાં ન લેવાતાં હોવાથી મુંબઈનો એક્યુઆઇ (ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ) બહુ જ ખરાબ થઈ ગયો હતો. બીએમસીએ ઍર પૉલ્યુશનને ખાળવા રસ્તાઓને પાણીથી ધોવા, મેદાનોમાં પાણીનો છંટકાવ કરવો, રસ્તા પર પણ મશીન દ્વારા પાણીનો છંટકાવ કરવો જેવાં પગલાં લીધાં હતાં અને સાથે જ કન્સ્ટ્રક્શન સાઇટ પર જઈ ચેકિંગ કરીને તેમને નોટિસો પણ આપી હતી.

જોકે હવે બીએમસી દરેક જગ્યાએ પોતે તો ન પહોંચી શકે. એટલે એણે મુંબઈગરાને જ એનાં આંખ અને નાક બનવા કહ્યું છે. જો કોઈને ધુમ્મસ કે પૉલ્યુશન જેવું લાગે તો તરત જ એ જગ્યાનો ફોટો પાડીને એનું ઍડ્રેસ, ક્યાં અને ક્યારે એટલી વિગતો બીએમસીને 81696 81697 પર વૉટ્સએપ કરવા કહ્યું છે. એ પછી બીએમસી એના કર્મચારીઓ અને ઑફિસરોને એ સ્થળે દોડાવીને તરત પગલાં લેશે એવું જણાવાયું છે. બીએમસીના એ વૉટ્સઍપ નંબર ઉપરાંત બીએમસીની ઍપ માય બીએમસી ૨૪ બાય ૭ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના હેલ્પલાઇન નંબર 1916 પર પણ એની ફરિયાદ કરી શકાશે. 

air pollution brihanmumbai municipal corporation mumbai mumbai news