03 March, 2023 08:53 AM IST | Mumbai | Priti Khuman Thakur
લોકો પેટ ભરીને ખાઈ શકશે કેરી
ઉનાળો આવે એટલે ગરમીનો પારો વધી જતાં લોકો પરેશાન થતા હોય છે, પરંતુ આ વખતે મુંબઈગરાઓને ગરમીના દિવસોમાં મીઠી કેરીનો ભરપૂર આનંદ મળવાનો છે. હા, આ વખતે મુંબઈમાં જલદી અને ઓછા ભાવે કેરીનો લોકો લાભ લઈ શકશે, કેમ કે ત્રણગણાથી વધુ કેરી આવે એવી શક્યતા છે.
ગયા વર્ષે કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણને કારણે બજારમાં કેરીની આવક ખૂબ ઓછી હોવાની સાથે ભાવ પણ વધુ હતા. જોકે આ વખતે પરિસ્થિતિ એકદમ જુદી છે અને મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં કેરીની આવક વધી છે. માર્કેટમાં ખૂબ જલદી કેરી દેખાવા લાગી છે. એટલું જ નહીં, ભાવ પણ સામાન્ય નાગરિકને પોસાય એવા છે. તાજેતરમાં કોંકણના રત્નાગિરિ જિલ્લા, સિંધુદુર્ગ અને રાયગડ જિલ્લામાંથી સાડાસાત હજારથી વધુ કેરીનાં બૉક્સ આવ્યાં છે, જેની પ્રતિ બૉક્સની કિંમત ૨૦૦૦થી ૬૦૦૦ રૂપિયા સુધીની છે.
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ત્રણગણો વધુ કેરીનો પાક થયો છે એવી માહિતી આપતાં મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ - મુંબઈના ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ વર્ષે કેરીની સીઝન ખૂબ સારી રહેવાની છે. પહેલી વાત એ છે કે આ વખતે કેરીનો માલ જલદી બજારમાં આવી ગયો છે. રત્નાગિરિ, સિંધુદુર્ગ અને રાયગડ જિલ્લામાં આ વર્ષે મોટા પ્રમાણમાં કેરીનો પાક જોવા મળ્યો છે. દર વર્ષે માર્ચથી નિયમિત ઇનફ્લો શરૂ થાય છે. જોકે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇનફ્લો શરૂ થયો છે. ગયા વર્ષ પર નજર નાખીએ તો માર્ચ મહિનામાં કેરીનાં ફક્ત ૧,૨૦૦ બૉક્સ બજારમાં આવ્યાં હતાં અને આ વખતે એ જ સંખ્યા ૭,૫૦૦ બૉક્સની થઈ છે. આ વખતે કેરીનો પાક સારો થયો હોવાથી કેરીની આવક પણ સારી રહેશે.’
સંજય પાનસરેએ વધુમાં કહ્યું હતું કે ‘કોંકણ ભાગથી જ કેરીની આવક થવા લાગી છે. ત્યાર બાદ દેવગડ અને અન્ય જગ્યાએથી આફૂસનો મોટા પ્રમાણમાં ધસારો થવાનો છે, જેને કારણે બજાર સમિતિમાં પણ ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલમાં ચારથી આઠ ડઝન કેરીનાં બૉક્સ ૨,૦૦૦થી ૬,૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યાં છે. આવક વધી રહી છે અને માર્ચમાં ઇનફ્લો વધુ વધ્યો હોવાથી ભાવ સામાન્ય થશે અને લોકોને એનો લાભ મળશે. કર્ણાટકમાંથી બદામીની પણ આવક થશે.’
લીંબુના ભાવ મે મહિના સુધીમાં બમણા થશે
ઉનાળો શરૂ થવાની સાથે જ લીંબુના ભાવ પણ વધી ગયા છે. આ વખતે ઉનાળો જલદી શરૂ થયો હોવાથી લીંબુના ભાવ વધ્યા છે. આ વિશે માહિતી આપતાં મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ - મુંબઈના સંચાલક શંકર પિંગળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લીંબુના ભાવ પ્રતિ કિલો ૪૦થી ૫૦ રૂપિયા હોલસેલ બજારમાં હતા એ વધીને ૭૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વધતાં માલ ઓછો આવવા લાગ્યો છે. હાલમાં મદ્રાસથી માલ આવી રહ્યો છે. મે મહિના સુધીમાં લીંબુનો ભાવ બમણો થશે.’