22 November, 2022 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
વિવારે રાતે અને ગઈ કાલે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સાથે મુંબઈમાં શિયાળાનું આગમન થયું હતું. મિનિમમ તાપમાન ૧૯ ડિગ્રી રહેવાથી મુંબઈગરાઓ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની માહિતી મુજબ આગામી બારેક દિવસ મુંબઈ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો રહેશે. રાજ્યના નિફાડમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી પડે છે ત્યાં બે દિવસથી ૫.૬ ડિગ્રીથી સાત ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું છે.
મુંબઈમાં રવિવારે રાતે અને ગઈ કાલે આખા દિવસ દરમ્યાન મિનિમમ તાપમાન ૧૯ અને ૧૯.૬ ડિગ્રી તાપમાન નોંધાવાની સાથે શિયાળાનું આગમન થયું હતું. સામાન્ય રીતે નવેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં મિનમમ તાપમાન ૨૩ ડિગ્રીની આસપાસ રહે છે, પરંતુ બે દિવસથી અચાનક ૪ ડિગ્રી જેટલો પારો નીચે ઊતરી ગયો છે એને લીધે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મહત્તમ તાપમાનમાં પણ બે ડિગ્રીનો ઘટાડો થયો છે એટલે દિવસમાં પણ ૩૨ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, જેને પગલે મુંબઈ અને પુણે જેવાં શહેરની સાથે ગ્રામીણ વિસ્તારણમાં પણ આગામી ૧૨ દિવસ તાપમાન નીચું રહેશે એટલે ઠંડીનો ચમકારો રહેશે. મુંબઈમાં આજથી ૨૬ નવેમ્બર સુધી ઠંડીમાં સહેજ ઘટાડો થશે, પણ રાજ્યના બાકીના ભાગમાં ઠંડીમાં વધારો થશે. વિદર્ભ પટ્ટામાં કોલ્ડ વેવ રહેવાની શક્યતા છે.
રાજ્યમાં સૌથી વધુ ઠંડી નાશિકના નિફાડમાં નોંધાઈ છે. અહીં ગઈ કાલે ૭ ડિગ્રી તો ઓઝરમાં ૫.૭ ડિગ્રી તાપમાન નોંધાતાં આ વિસ્તાર ઠંડીને લીધે ઠૂંઠવાઈ ગયા છે. મુંબઈગરાઓના ફેવરિટ હિલસ્ટેશન મહાબળેશ્વરમાં પણ તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનો ચમકારો રહેશે અને ૨૭ નવેમ્બર પછી તો શિયાળાની સીઝન આગળ વધશે એટલે વધુ પ્રમાણમાં ઠંડી પડશે. આથી લોકોએ ઠંડીથી બચવા માટેના ઉપાયો શરૂ કરી દેવા જોઈએ એવી સલાહ હવામાન વિભાગે આપી છે.