વેસ્ટર્ન રેલવેમાં પીક અવર્સમાં ફરી એક વાર લોકલ ખોટકાઈ

07 July, 2023 08:45 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વસઈ પાસે પૉઇન્ટ ફેલ્યરને લીધે ટ્રેનો અડધો કલાક મોડી દોડતાં પ્રવાસીઓ ઑફિસમાં કલાક મોડા પહોંચ્યા

વિરાર રેલવે સ્ટેશન પર સવારના પીક-અવર્સમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી

વસઈ પાસે રેલવે પૉઇન્ટ ફેલ થવાને કારણે ગઈ કાલે સવારે લોકલ ટ્રેનો લગભગ અડધો કલાકથી વધુ મોડી દોડી રહી હતી, જેના કારણે પીક અવર્સમાં લોકોએ ભારે મુશ્કેલીઓ વેઠવાની સાથે રેલવે-સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. તેમ જ ટ્રેનો અડધો કલાક મોડી પ્લૅટફૉર્મ પર આવતી ન હોવાથી મુસાફરોથી ભરેલા પ્લૅટફૉર્મ પર ઊભા રહેવાની જગ્યા પણ નહોતી. વેસ્ટર્ન લાઇનમાં છેલ્લા દસેક દિવસમાં ત્રીજી વખત ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી.

આ ટેક્નિકલ સમસ્યાને કારણે બોઇસર, પાલઘર, દહાણુ અને વિરારથી ચર્ચગેટ, દાદર, અંધેરી, બોરીવલી જતી લોકલ ટ્રેનો પણ પ્રભાવિત થઈ હતી. ફાસ્ટ લાઇનની લોકલ ટ્રેન ૨૦થી ૩૦ મિનિટથી મોડી ચાલી રહી હતી. દર ૩થી ૪ મિનિટે દોડતી લોકલ ટ્રેન કૅન્સલ થતી હોય તો મુસાફરોની કફોડી હાલત થાય છે ત્યારે અડધો કલાકથી વધુ ટ્રેનની અવરજવર પર થયેલી અસરને લીધે ખૂબ પરેશાની થઈ હતી. વહેલી સવારે કામ પર જતા લોકો પ્લૅટફૉર્મ પર ફસાયેલા હતા. વરસાદના સમયે ટ્રેનો મોડી દોડવાથી પ્રવાસીઓએ ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

વસઈમાં રહેતા અને અંધેરી ઑફિસે જતાં વિપુલ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સાડાઆઠ વાગ્યાથી હું પ્લૅટફૉર્મ પર હતો ત્યારે નવ વાગ્યાની આસપાસ ટ્રેન પકડી હતી. એમાંથી એક ટ્રેનમાં તો ચડવા જ મળ્યું નહોતું. સવારથી અડધો કલાક ટ્રેન મોડી દોડતી હોવાથી પ્રવાસીઓને ચર્ચગેટ જતી ટ્રેનમાં ચડવા મળ્યું નહોતું અને પ્લૅટફૉર્મ પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલું હતું. મને પણ ઑફિસ પહોંચતાં પોણો કલાક મોડું થઈ ગયું હતું. ટ્રેનના ધાંધિયા લાંબા સમયથી છે અને ગઈ કાલે તો પીક અવર્સમાં પ્રવાસ કરવામાં નાકે દમ આવી ગયો હતો.’

મીરા રોડથી વિરાર આવેલાં મહિલા રેલવે પ્રવાસી મીનાક્ષી સાગઠિયાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મને મીરા રોડથી સવારે વિરાર જવું હતું. હું પોણાદસ વાગ્યાથી સ્ટેશન પર હતી પરંતુ ટ્રેન જ ન આવતાં પચીસેક મિનિટ મારે ઊભા જ રહેવું પડ્યું હતું. એક પ્રેગ્નન્ટ મહિલા પણ બ્રિજ પર ટ્રેનની રાહ જોઈ થાકી જતાં પાછી જતી રહી હતી. પીક અવર્સમાં રેલવે લાઇન ખોરવાતાં પ્રવાસીઓ ત્રાહિમામ થઈ જાય છે.’

નાયગાંવથી બપોરના એક વાગ્યાની આસપાસ ટ્રેન પકડવા આવેલા ભરત સોનીએ જણાવ્યું કે ‘મને લાગ્યું કે સવારના ટ્રેનની સમસ્યા થઈ છે એટલે હું બપોરના સમયે મારા કામે નીકળ્યો હતો. પરંતુ બપોરના સમયે એક વાગ્યે સ્ટેશન પર પહોંચ્યો તો વીસ મિનિટ સુધી મારે ટ્રેનની રાહ જોઈને ઊભા રહેવું પડ્યું હતું.’

રેલવેનું શું કહેવું છે?

આ વિશે વેસ્ટર્ન રેલવેનાં પબ્લિક રિલેશન્સ ઑફિસર સ્મિતા રોઝેરિયોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ટેક્નિકલ ખામી સર્જાતાં ટ્રેન અંદાજે ૨૦ મિનિટ મોડી દોડી રહી હતી.

mumbai local train western railway vasai mumbai mumbai news preeti khuman-thakur