માર્ચ સુધીમાં પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

15 February, 2023 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમવાર આ સીઝન ઉપરાંત આ દસકાનો ફેબ્રુઆરીનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો : હાલ ભેજ પણ છે અને પૂર્વ અને દ​ક્ષિણ તરફથી વાઈ રહેલા ગરમ પવનો દરિયા પરથી વાતા ઠંડા પવનોને રોકે છે

ફાઇલ તસવીર

મુંબઈ સહિત રાજ્યના કેટલાક ભાગમાં માર્ચ દરમ્યાન પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી જાય એવી શક્યતા છે. હાલ શિયાળાથી ઉનાળા તરફનો ટ્રાન્ઝિશન પિરિયડ ચાલી રહ્યો છે એટલે થોડા દિવસ ટેમ્પરેચરમાં, ગરમીમાં વધારો નોંધાશે એમ ઇન્ડિયન મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી)એ કહ્યું છે. સોમવારે કોલાબામાં ટેમ્પરેચર ૩૭.૧ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૬.૨ ડિગ્રી વધુ હતું. આમ સોમવાર આ સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. એટલું જ નહીં, એ આ દસકાનો ફેબ્રુઆરીનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. હાલ ભેજ પણ છે અને પૂર્વ અને દ​ક્ષિણ  તરફથી ગરમ પવનો વાઈ રહ્યા છે જે દરિયા પરથી વાતા ઠંડા પવનોને રોકે છે એટલે વાતાવરણમાં વધુ ગરમી જણાઈ રહી છે. ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં પારો સામાન્યપણે ૩૮થી ૩૯ ડિગ્રીની આસપાસ રહે એવી શક્યતા છે, એમ આઇએમડીના ઑફિસરે વધુમાં જણાવ્યું હતું.

આ બાબતે જાણીતા વેધર બ્લૉગર રાજેશ કાપડિયાએ કહ્યું હતું કે ‘પૂર્વના પવનો દરિયા પરના પવનોને રોકતા રહ્યા હોવાથી ગરમી વધી રહી છે. જો એ પૂર્વના પવનો રોકાશે તો પારો સાંજના સમયે નીચે આવી શકે છે. હાલ આ જે ઇફેક્ટ જોવા મળી રહી છે એ લા નીનોની પૅટર્નને કારણે જોવા મળી રહી છે.’ 

mumbai mumbai news Weather Update