Mumbai Weather Updates : ફરી એકવાર મુંબઈમાં ઘટ્યો પારો, હવામાન વિભાગે જણાવ્યું કારણ

06 March, 2024 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Weather Updates : મુંબઈમાં છેલ્લા ચાર વર્ષમાં માર્ચમાં નોંધાયું સૌથી ઓછું તાપમાન

ફાઇલ તસવીર

માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે એવી અપેક્ષા હોય કે, હવે ઠંડી ઓછી થશે અને ગરમીનો અહેસાસ શરૂ થશે. જોકે હાલની પરિસ્થિતિ પ્રમાણે, અપેક્ષાઓથી વિપરીત, મુંબઈ (Mumbai)નું લઘુત્તમ તાપમાન માર્ચ મહિનાની શરુઆતમાં પહેલીથી પાંચ માર્ચ સુધી ઘટ્યું છે. મંગળવારે મુંબઈમાં લઘુત્તમ તાપમાન (Mumbai Weather Updates) ૨૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું. છેલ્લા ચાર વર્ષમાં માર્ચ મહિનામાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગનો અંદાજ છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન ૧૮ થી ૧૯ ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.

સાંતાક્રુઝ (Santacruz)માં ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department)ના કેન્દ્રમાં લઘુત્તમ તાપમાન ૧૭.૯ ડિગ્રી નોંધાયું હતું. જે તાપમાન સરેરાશ કરતાં બે ડિગ્રી ઓછું હતું. બીજી તરફ છેલ્લા ચાર વર્ષમાં માર્ચમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ૧૪ માર્ચ ૨૦૨૦ના રોજ રાત્રિનું લઘુત્તમ તાપમાન ૧૬.૬ ડિગ્રી નોંધાયું હતું. આ મહિને પહેલી માર્ચે મહત્તમ તાપમાન ૩૭.૨ ડિગ્રી સેલ્સિયસ હતું, જે તાપમાન બીજી માર્ચે સાત ડિગ્રી ઘટીને ૩૦ ડિગ્રી સેલ્સિયસ થયું હતું. શહેરમાં ત્રીજી માર્ચે તાપમાન ૨૮.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચાર માર્ચે કોલાબા (Colaba)માં તાપમાન ૨૮.૫ ડિગ્રી સેલ્સિયસ જ્યારે સાંતાક્રુઝમાં ૨૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો પાંચ માર્ચે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. માર્ચના પ્રથમ પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.

બાર વર્ષ પહેલા માર્ચ મહિનામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. ૧૦ માર્ચ ૨૦૧૨ના રોજ મુંબઈમાં લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી હતું. તે ઘટીને ૭ ડિગ્રી સેલ્સિયસ પર આવી ગયું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, પવનની પેટર્નમાં ફેરફારને કારણે તાપમાનમાં તફાવત આવ્યો છે.

આઇએમડી મુંબઈના ડિરેક્ટર સુનીલ કાંબલેએ જણાવ્યું હતું કે, તાપમાનમાં વર્તમાન ઘટાડો ઉત્તર અને પશ્ચિમી પવનોને કારણે છે. ઉત્તર અને પશ્ચિમી પવનોને કારણે છેલ્લા ૪૮ કલાકમાં મુંબઈના તાપમાનમાં મોટો ફેરફાર થયો છે. ઉત્તર ભારતમાં એટલે કે હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થઈ છે. દેશના કેટલાક ભાગોમાં કરા પણ પડ્યા છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ બધાની અસરને કારણે મુંબઈમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

મુંબઈમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આગામી બેથી ત્રણ દિવસ સુધી હજી ચાલુ રહી શકે છે. મુંબઈમાં પણ મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસથી ૩૦ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસથી ૧૯ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.

દરમિયાન, કોલાબામાં આઇએમડીની કોસ્ટલ ઓબ્ઝર્વેટરીએ સોમવારે રાત્રિનું તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. વર્ષ ૨૦૨૦ પછી જ્યારે ૧૪ માર્ચે પારો ૧૯ ડિગ્રી સેલ્સિયસને સ્પર્શ્યો હતો ત્યારે કોલાબા સ્ટેશન પર આ સૌથી નીચું રાત્રિનું તાપમાન પણ હતું.

Weather Update mumbai weather santacruz colaba indian meteorological department mumbai mumbai news